ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આવતીકાલે તા.૦૧-૧૦-૨૦૨૧ના રોજ દિલ્હી ખાતે “સ્વચ્છ ભારત મિશન – ૨.૦” અને “અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ૨.૦” (અમૃત – ૨.૦)નું લોન્ચિંગ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું ૧૫ સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેશે. જેમાં રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવને પણ નિમંત્રણ મળતા તેઓ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે.
અહીં એ યાદ અપાવીએ કે, “સ્વચ્છ ભારત મિશન”નું લોન્ચિંગ તા.૦૨-ઓક્ટોબર-૨૦૧૪ના રોજ અને “અમૃત” નું લોન્ચિંગ તા.૨૫-જુન-૨૦૧૫ના રોજ પ્રધાનમંત્રી ના વરદ હસ્તે કરાયું હતું. હવે આ બંને મિશનના દ્વિતીય તબક્કા આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યા છે.
- Advertisement -
હવે “સ્વચ્છ ભારત મિશન – ૨.૦” અને “અમૃત – ૨.૦”ના બીજા ફેઇઝમાં દેશના તમામ શહેરો “ગાર્બેજ ફ્રી” (કચરામુક્ત) બનાવવા તેમજ “વોટર સિક્યોર” (જળ ઉપલબ્ધિ સુનિશ્ચિત) કરવાનો ધ્યેય છે.
આ બંને મિશન હેઠળ છેલ્લા ૬ થી ૭ વર્ષમાં દેશની તમામ અર્બન લોકલ બોડી ઓડીએફ ફ્રી થયેલ છે.
આ ઉપરાંત સોલિડ વેસ્ટના નિકાલમાં આશરે ૭૦ ટકા જેટલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. “અમૃત” હેઠળ ૧.૧ કરોડ ઘરમાં પીવાના પાણી માટેના નળ જોડાણ અપાયા છે અને ૮૫ લાખ સુએઝ કનેક્શન આપેલ છે, જેનો લાભ આશરે ચાર કરોડ લોકોને મળ્યો છે.
- Advertisement -
દરમ્યાન “સ્વચ્છ ભારત મિશન – ૨.૦” અને “અમૃત – ૨.૦” હેઠળ શહેરી ભારતના વિકાસ લક્ષ્યાંકો સુનિશ્ચિત કરવામાં જેની મહતવની ભૂમિકા છે તે “આત્મનિર્ભર ભારત” અભિયાન ઉપર ભાર મુકવામાં આવશે.
“અમૃત” હેઠળ શહેરી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૭૦ ટકા ગ્રાંટ ફાળવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ સોલિડ વેસ્ટ વિભાગને ઉપયોગી જુદા જુદા સાધનો, પ્રચાર-પ્રસાર, તથા કેપેસીટી બિલ્ડીંગ માટે ગ્રાંટ ફાળવવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાને શહેરના જુદા જુદા વિકાસ કામો માટે રૂ.૨૪૨ કરોડની ગ્રાંટ મળેલ છે, જયારે સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ.૩૮ કરોડની ગ્રાંટ મળેલ છે.



