‘અમને આશા છે કે તમે દિલ્હીના હવામાનની મજા માણતા હશો…’
રાજધાનીના વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કટાક્ષ
- Advertisement -
દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો એ દરરોજ એક વ્યક્તિ દ્વારા 30 સિગારેટ પીવા સમાન
દિલ્હી-ગઈછમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અને સતત કથળી રહેલી હવાની ગુણવત્તા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દિલ્હીમાં લાગુ કરાયેલા કડક પ્રદૂષણ વિરોધી નિયમો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટ કાર્યવાહીની શરૂઆત કરતા જ ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે દિલ્હીની ગંભીર ઝેરી હવા પર કટાક્ષ કરતા વકીલોને પૂછ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે તમે બધા દિલ્હીના આ હવામાનની મજા માણી રહ્યા હશો.” આ દરમિયાન સીજેઆઈએ સ્વીકાર્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ જેટલા વધુ આદેશો આપે છે, તેટલું જ નિયમોનું ઉલ્લંઘન વધુ થાય છે. આ માનવ સ્વભાવ છે.’
આ કેસમાં સુપ્રીમ કોર્ટને મદદ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ અને એમિકસ ક્યુરી (અદાલત મિત્ર) અપરાજિતા સિંહે દિલ્હીની ભયાનક સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, ‘અહીં પ્રદૂષણનું સ્તર સતત ‘ગંભીર’ (Severe) શ્રેણીમાં રહે છે. અને તેના કારણે મારો અવાજ પણ બેસી ગયો છે. અહીંની ઝેરી હવામાં શ્વાસ લેવો એ દરરોજ એક વ્યક્તિ દ્વારા ૩૦ સિગારેટ પીવા સમાન છે. ખેડૂતો જે પરાળી સળગાવે છે, તેનો દિલ્હીના પ્રદૂષણમાં ૧૪ ટકા ફાળો છે, જે આ સ્થિતિને વધુ વણસાવે છે.’ આ દરમિયાન બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ‘શું વાયુ પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોની પરાળી જ જવાબદાર છે કે પછી શહેરનો ઉચ્ચ વર્ગ પણ એટલો જ જવાબદાર છે? આપણે સતત પરાળી વિશે જ વાત કરીએ છીએ, પરંતુ અમીર વર્ગનું શું? તેમની હાઈ-એન્ડ અને મોંઘી ગાડીઓ રસ્તા પર સતત દોડી રહી છે તેનું શું?’ ત્યાર બાદ એમિકસ ક્યુરીએ પણ સ્વીકાર્યું હતું કે વાહનવ્યવહાર પણ પ્રદૂષણ માટે ઘણે અંશે જવાબદાર છે.



