રથયાત્રામાં હનુમાન ભક્તો 51 ફૂટની ધ્વજ સાથે પગપાળા ચાલશે
જાગૃતિ ભર્યા સંદેશા સાથે આશરે 51થી વધુ ફ્લોટ્સ યાત્રામાં જોડાશે
હાલમાં જ એક સર્વેમાં પૂછવામાં આવ્યું કે હતું કે હિન્દુ દેવી દેવતાઓમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે ત્યારે મોટાભાગે લોકો પાસેથી એવો જવાબ મળ્યો હતો કે સૌથી વધુ લોકો હનુમાનજીને માને છે. બાળક, યુવાન અને વયોવૃધ્ધ સર્વેના માનીતા દેવ છે. ત્યારે આપણા સૌના પ્રિય હનુમાનજીનો શનિવારનો રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. જેને ઉજવવા માટે દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને બમણો કરવા બડા બજરંગ ફાઉન્ડેશન હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. આ ઉજવણી હેઠળ બજરંગ ફાઉન્ડેશન દ્વારા શાનદાર રથયાત્રાનું કાઢવામાં આવશે.
બડા બજરંગ ફાઉન્ડેશન છેલ્લા 14 વર્ષથી હનુમાન જન્મોત્સવની રથયાત્રા કાઢે છે. આ વર્ષની રથયાત્રાને ભવ્ય બનાવવા માટે રાજકોટની 100થી વધુ હિન્દુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે અને રથયાત્રાને વધુ વિશાળ બનાવવા પ્રયાસો કરી રહી છે. આ રથયાત્રા ભુદેવ અજય મહારાજ, સાગર મહારાજ અને સાધુ સંતોના શુભ હસ્તે અને વૈદિક મંત્રોચાર સાથે 16 એપ્રિલના રોજ સવારે 8 કલાકે બડા બજરંગ હનુમાન મંદિરથી રામનાથપરા – 16થી પ્રસ્થાન થશે. રામનાથપરા મેઈન રોડથી લઈને ગરૂડ ગરબી ચોક, વિરાણી વાડી, હાથી ખાના મેઈન રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ, કરણપરા ચોક, પ્રહલાદ મેઈન રોડ અને ભૂપેન્દ્ર રોડથી બાલાજી મંદિર ખાતે આ યાત્રાની પૂર્ણાહુતિ થશે.આ શોભાયાત્રામાં આશરે 51 થી વધુ આકર્ષણ ફ્લોટ્સ જોડાશે. તેમજ હનુમાન ભક્તો 51 ફૂટનો ભગવો ધ્વજ લઈને પગપાળા ચાલશે. બજરંગ દાદાની મૂર્તિ રાજમાર્ગો પર રજવાડી રથમાં નીકળશે જેને રસ્સા દ્વારા ખેંચવામાં આવશે. રામનાથ મહાદેવ અને કેદારનાથની જાંખી સાથે નાના ભૂલકાઓ મહાદેવના સ્વરૂપમાં જોવા મળશે.
- Advertisement -
રથયાત્રામાં દેવી દેવતા, દેશના લડવૈયાઓના જીવંત પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ પર્યાવરણ જાગૃતિ, નારી શક્તિ, બેટી બચાવો – બેટી પઢાઓ, થેલેસેમિયા બિમારી, રક્તદાન સહિતના કોન્સેપ્ટ ઉપર જાગૃતિનો સંદેશો આપતા ફ્લોટ્સ રથયાત્રામાં જોવા મળશે. ઠેર ઠેર જૂદી જૂદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પ વર્ષાથી, ફટાકડા ફોડીને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન ઠંડાપીણા, સરબત, છાશ અને પ્રસાદની વ્યવસ્થા ભક્તો દ્વારા કરવામાં આવશે. આ વર્ષના યાત્રા પ્રમુખ તરીકે સેવાકીય અને ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહેતાં અને યુવાઓના માર્ગદર્શક સહદેવસિંહ ડોડીયાની નિમણૂંક કરવામાં આવી છે. તેમની સાથે કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવિ ભટ્ટી, વિજય મકવાણા, વિક્રમ ડાંગર, રાજા જાદવ, પાર્થ બાંભવા, મીત જાદવ, કમલેશ આસનાણી, કમલેશ રાઠોડ, વિજય યુનવાણી, યશ સરૈયા, યશ આડેસરા, જીત રાઠોડ અને પ્રતીક રાઠોડ સહિતના યુવાનો આ રથયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


