ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે.
દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાશે. જખૌના 200 કરોડ ડ્રગ્સ કેસમાં આજે બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાશે.
- Advertisement -
200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે કરાઈ હતી ધરપકડ
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે, ત્યારે તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી
ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.
સલમાન સહિત ઘણા લોકોને આપી છે ધમકી
હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. એટીએસે પાકિસ્તાનથી આવી રહેલા કરોડોના ડ્રગ્સને ઝડપી લઈને તપાસ કરી હતી જેમાં લોરેન્સના સાગરીત ગોલ્ડી બ્રારની સંડોવણી સામે આવી રહી છે. હાલ ગોલ્ડી વિદેશમાં હોવાથી તેનો કબજો મેળવવા માટેની પણ કવાયત ચાલી રહી છે.