રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વધુ એક કૌભાંડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારના પાપ છાપરે ચડીને પોકારતા હોય તેમ શિક્ષણ સમિતિનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગત 21 ઓગસ્ટના રોજ શિક્ષણ સમિતિની બોર્ડ મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં અગાઉથી દરેક વસ્તુ નક્કી કર્યા મુજબ અંગ્રેજી સ્કૂલને રૂપિયા આપવા માટે ઠરાવ કરવાનો હતો. જેમાં 3 સ્કૂલ વચ્ચે અંદાજિત 13થી 15 આપવાનું નક્કી કર્યું હતું. બોર્ડનાં દિવસે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અચાનક જ બહારગામ જતા રહ્યા અને ઠરાવ પાસ કરવા સભ્યોને જણાવ્યું હતું જેમાં સભ્યોને કાંઈક દાળમાં કાળું લાગતાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ત્યારે વિક્રમ પુજારા હવે 20 દિવસમાં બીજીવાર બોર્ડ બોલાવી પોતાનો નિર્ણિત ભ્રષ્ટાચારનો ટાર્ગેટ આવનારી 13 તારીખે પૂરો કરશે.
અંગ્રેજી માધ્યમનાં આ પૈસા સ્કૂલને ફાળવવામાં બહુ મોટી આર્થિક કટકી થતી હોય તે અતિ ગોપનીય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. જેમાં ત્રણેય સ્કૂલનાં કો-ઓર્ડિનેટર ચેરમેન વિક્રમ પૂજારાના અંગત અને સ્કૂલ 78નાં શિક્ષક ધર્મેશ દવે છે તેમને સ્કૂલમાં બાળકો ભણાવવા ઉપરાંત આ કામ કરવાનું હોય છે અને તે પોતે કામ માટે એટલા ઉત્સાહી છે કે પ્રાઇવેટ ટ્યુશન અને સ્કૂલમાં લેક્ચર પણ લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા 1 લાખ પગાર લેતાં શિક્ષકને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી આવી કામગીરી સોંપવાનો ઈરાદો શું હોઈ શકે..? તેણે સમિતિ પાસે અંગ્રેજી શાળામાં વાર્ષિક ખર્ચ માટે એક સ્કૂલનાં 50 હજાર ઇન્ટરનેટ ફી, ઝેરોક્ષનાં 60થી 70 હજાર વિગેરે જેવી ચીજ-વસ્તુઓની ડિમાન્ડ કરી છે. જેમાં એક સ્કૂલનાં અંદાજિત 4થી 5 લાખની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી કુલ 3 અલગ-અલગ સ્કૂલ છે. ઉંઇંઙ સંસ્થા અને શિક્ષણ સમિતિ વચ્ચે નક્કી થયા મુજબ સ્કૂલને સ્ટેશનરી અને ચોપડા સમિતિ તરફથી મફત આપવામાં આવે છે તો આટલો બધો ખર્ચ શેનો..? શિક્ષણ સમિતિ 93 સ્કૂલનુ સંચાલન કરે છે, જે સ્કૂલોના ખર્ચની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે, આ 93 સ્કૂલોનો સરેરાશ ખર્ચ એટલો નથી થતો જેટલો આ એક-એક અંગ્રેજી સ્કૂલમાં દર્શાવવામાં આવ્યો છે.
આવા ખોટા ખર્ચમાં મોટી કટકીની જાણ પંડિતવાળી સમિતિને ખબર પડી જતાં તે વખતનાં ચેરમેન અતુલ પંડિત પાસે સભ્યોએ આવા રૂપિયાનો ઇંગ્લિશ સ્કૂલ ક્યાં ખર્ચો કરે છે તે જણાવો તેવું જાણવા પણ કોશિષ કરી હતી પણ પંડિત તે હિસાબ આપી શક્યા નહીં અને જાગૃત સભ્યો મારફત ગાંધીનગર ફરિયાદ કરવામાં આવતા આખી સમિતિને ઘરભેગી કરી દીધી હતી.
- Advertisement -
અત્યારે પણ સભ્યોએ 21 તારીખ વાળી બોર્ડ મિટિંગમાં હિસાબ માટે ચર્ચા કરી હતી જે યોગ્ય ન લાગતાં કોઈ નિર્ણય કર્યો નહીં અને હવે વિક્રમ પૂજારા મેદાનમાં આવતા જ ફરી બોર્ડ બોલાવી નવી બોટલમાં જૂનો દારૂ ભરી સભ્યોને પરાણે ઘૂંટડો ગળે ઉતારી દેશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે.
અત્યારની શિક્ષણ સમિતિના સભ્યોમાં એક સરકારી ક્લાસ -1 અધિકારી પણ કાર્યરત છે તેની નીચેની બ્રાન્ચો જ JHPનું ઓડિટ કરતી હોય છે માટે ચેરમેન પુજારા આ અધિકારીનું માર્ગદર્શન મેળવી કાયદાની છટકબારી સાથેનો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર કરે છે જેથી ભાડાની સ્કૂલમાં જે રીતે કાચું કપાઈ ગયું અને પકડાઈ ગયા તેવું ફરી ન બને તેવું પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ચેરમેન પૂજારાને સમિતિમાં બિરાજમાન થયે એક વર્ષથી પણ વધુ સમય થયો છે પરંતુ આજ સુધી તેમને ભ્રષ્ટાચારવાળા કામો (મજબૂત સ્કૂલો-ઓછી વિધાર્થીઓ વાળી સ્કૂલો તોડીને નવી બનાવવી, ભાડાની સ્કૂલો બારોબાર પધરાવવી, ઇંગ્લિશ સ્કૂલમાં ખોટા બિલો ચૂકવવા વિગેરે)ને જ મહત્વ આપી અને પોતાના નવા ઘરનો ખર્ચો કાઢ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શિક્ષણ સમિતિના વિધાર્થીઓ કે શિક્ષણ સમાજ માટે એક પણ ઉદાહરણ રૂપ નિર્ણય કર્યો નથી કે જેના માટે તેની પ્રશંસા કરવામાં આવે. સમિતિમાં અનેક પ્રશ્ર્નોની ભરમાર હોવા છતાં પુજારા અને પરમાર આર્થિક લાભ મળે તેવા કામ કરવામાં જ રસ લે છે અને પુજારા આખો દિવસ બીજેપી કાર્યાલયમાં પડ્યા પાથર્યા રહે છે અને પરમાર અજ્ઞાત સ્થળે હોય છે. સમિતિમાં આવતા સિનિયર સિટિઝન અને મુલાકાતીઓ હેરાન-પરેશાન થાય છે. થોડા સમય પહેલાં જ સમિતિના એક મહિલા કર્મચારી સાથે થયેલ અન્યાય માટે ચેરમેન વિક્રમ પુજારા પાસે મદદ માટે માંગણી કરી હતી પણ વિક્રમ પુજારાને આવા કામમાં આર્થિક લાભ મળતો ન હોય આવા કામમાં જરા પણ રસ લેવાનું ટાળ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. હવે તો શહેર ભાજપ પ્રમુખ ગણપતિ દાદાનું નામ લઈને આ ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરે અને લાંબા સમયથી શિક્ષણ સમિતિમાં જે ગ્રહણ લાગ્યું છે તેમાં કોઈ શિક્ષિત અને નિષ્ઠાવાન વ્યક્તિને ચેરમેન બનાવે તેવી શિક્ષણ સમાજને આશા છે.