વાંઝાવાડમાં ખોદતાં સમયે ગટરના પાણી પીવાના પાણીમાં ભળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
- Advertisement -
જૂનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ગટરના પાણી બોરવેલમાં મિક્સ થતાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 60 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે મહિલાઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તંત્રની બેદરકારી સામે રોષ વ્યાપક છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી અયોધ્યા એપાર્ટમેન્ટના આસપાસ ભૂગર્ભ ગટરના કામો ચાલી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ તૂટી પડ્યા છે અને ગટરનું પાણી બોરવેલમાં મિક્સ થવાનું કારણ બન્યું છે. આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
મૃતક વૃદ્ધનું નામ હરસુખભાઈ કાનજીભાઈ રાણીગા 60 વર્ષીય હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે, દુષિત પાણીના કારણે ભાઈને હરસુખભાઈને ફૂડ પોઈઝનિંગ થયું અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કોઈ પણ જવાબદાર અધિકારી ઘટના સ્થળે આવ્યો નથી અને ન તો કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે. તેમનું કહેવું છે કે, ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓ આવી ઘટના સમયે ક્યાંય દેખાતા નથી. નગરસેવકો પણ ઘટનાસ્થળે આવીને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તૈયાર નથી. તંત્ર દ્વારા વેરો વસૂલવામાં આવે છે, પરંતુ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં બેદરકારી દાખવવામાં આવે છે. હાલમાં, સ્થાનિક નાગરિકોની માંગ છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નમૂનાઓ લઈ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. અન્યથા, આવી બેદરકારીના કારણે વધુ જાનહાનિ થવાની શક્યતા છે.



