રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં દેશના રાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિ
દર્દીઓને માત્ર દવા જ નહીં, પરંતુ સારી જીવનશૈલી અપનાવવા માટે પણ પ્રેરિત કરે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. રાજકોટ ખાતે નવનિર્મિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસનો પ્રથમ પદવીદાન સમારોહ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે એમ.બી.બી.એસ.ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવી મેળવનાર નવયુવાન ડૉક્ટરોને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તબીબી વ્યવસાય એ માત્ર આજીવિકા મેળવવાનું સાધન નથી, પરંતુ તે માનવતાની સેવા કરવાનું પવિત્ર વચન છે. તેમણે ડૉક્ટરોના સફેદ કોટને સમાજના વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ સંબોધન કરતાં કહ્યું કે, દેશભરમાં પરવડે તેવા ખર્ચે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઘણી એઈમ્સની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ ઉત્તમ તબીબી શિક્ષણ, સંશોધન અને નવી શોધોને પ્રોત્સાહન, જાહેર આરોગ્ય સેવા અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે, નવા સંશોધનો અને દર્દીઓની સારવાર દ્વારા આરોગ્ય સેવાઓને આગળ વધારવા માટે એઈમ્સની મહેનત પ્રશંસનીય છે.
રાષ્ટ્રપતિ વધુમાં કહ્યું કે, એઈમ્સ રાજકોટ એક નવી સંસ્થા છે. તબીબી શિક્ષણ, સંશોધન અને સેવાના ક્ષેત્રોમાં તેને હજુ ઘણી મજલ કાપવાની છે. એઈમ્સના નીતિ નિર્ધારકો તેમના લક્ષ્યોમાં માત્ર એઈમ્સના મુખ્ય ઉદ્દેશ્યોને જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળતી આરોગ્ય વિષયક સમસ્યાઓના ઉકેલ માટે પણ આગેવાની લે, તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
તબીબી વ્યવસાય એ માત્ર કમાણીનું સાધન નથી; તે માનવતાની સેવા કરવાનું એક વચન પણ છે. આ વ્યવસાયમાં માત્ર વિજ્ઞાનનું જ્ઞાન જ નહીં પરંતુ દયાભાવ, ધીરજ અને નમ્રતાની પણ જરૂર છે. તબીબી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ્સ દ્વારા સર્જરી, ચોક્કસ નિદાન પદ્ધતિઓ અને ડિજિટલ આરોગ્ય સેવાઓ તબીબી જગતનો ચહેરો અને કામ કરવાની રીત ઝડપથી બદલી રહ્યા છે. તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને પરિવર્તનને અપનાવીને તબીબી સેવા વધુ અસરકારક બનાવવા પ્રેરણા આપી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તબીબોને આશીર્વચન આપતા કહ્યું હતું કે, ડૉક્ટર એ ઈશ્વર પછીનું બીજું સ્થાન ધરાવે છે. તેમણે વધતા જતા કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગો સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નવયુવાન ડૉક્ટરોને વિનંતી કરી કે તેઓ દર્દીઓને માત્ર દવા જ નહીં, પરંતુ યોગ, શુદ્ધ ખાનપાન અને સારી જીવનશૈલી અપનાવવા માટે પણ પ્રેરિત કરે. રાજ્યપાલે તબીબોને જીવનમાં હંમેશા સત્યનું આચરણ, ધર્મનું પાલન અને પ્રાપ્ત કરેલી વિદ્યામાં અભિવૃદ્ધિ કરવાની સાથે આરોગ્ય ક્ષેત્રમાં સતત પ્રયત્નશીલ અને પ્રયોગશીલ બનાવાની પ્રેરણા આપી હતી. આજે જંકફુડ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સામે જોખમ વધી રહ્યું છે. રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેના બેફામ ઉપયોગના કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારીઓ વધી રહી છે. તેમણે તબીબોને વિનંતી કરી હતી કે, તેમણે દર્દીઓને માત્ર દવા જ નહીં પરંતુ સારી જીવનશૈલી, યોગ અને શુદ્ધ ખાનપાન માટે પણ પ્રેરિત કરવા જોઈએ. જેથી દેશનો દરેક નાગરિક સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલે તબીબી સેવાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્ર સેવાનું માધ્યમ છે. દર્દી નારાયણ દ્વારા ડૉક્ટરને ઈશ્વરના બીજા સ્વરૂપમાં જોવામાં આવે છે ત્યારે દર્દી અને ડૉક્ટર વચ્ચે વિશ્વાસનો સેતુ હંમેશા કાયમ રહેવો જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારજનોને ડૉક્ટર પાસે ખૂબ આશા હોય છે, તેઓની સાથે આત્મીયતા કેળવી, તેમનો વિશ્વાસ જીતી, સારવાર આપવાની સાથે દર્દીઓને હૂંફ આપવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદો સર્વ પરશોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



