‘સન્ની પાજી દા ધાબા’માં અખાદ્ય ફૂડ મળતાં મનપાની ટીમે નોટીસ ફટકારી
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે ગ્રીનલેન્ડ ચોકડી અને પેડક રોડ વિસ્તારમાં આવેલા મસાલા માર્કેટ, સ્વીટ અને ફરસાણના વેપારી તેમજ સન્ની પાજી દા ધાબા, જંકશન મેઈન રોડ પર આવેલી અમૃત રેસ્ટોરન્ટમાં અખાદ્ય અને વાસી ચીજવસ્તુઓ મળી આવતાં સ્થળ પર જ ચીજોનો નાશ કરી ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. ગ્રીનલેન્ડ ચોકડી તથા પેડક રોડ વિસ્તારમાં આવેલા મોગલ મસાલા માર્કેટ, મેલડી મસાલા માર્કેટ, મા શક્તિ મસાલા માર્કેટમાં મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફૂડ બિઝનેશ ઓપરેટર દ્વારા વેચાણ કરતાં મરચાં પાવડર, હળદર, ધાણા, ધાણી, જીરૂ, ધોલર મરચું, કાશ્મીરી મરચું, રેશમપટ્ટો મરચાના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
જે પૈકી કુવાડવા રોડ, ડી માર્ટ પાસે આવેલા મોગલ મસાલા માર્કેટમાં ચકાસણી કરતાં 17 કિ.ગ્રા. જેટલો સડેલા, ફૂગવાળા મરચાં જોવા મળેલ જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તથા શ્રીરામ સ્વીટ એન્ડ ફરસાણ, ક્રિષ્ના જાંબી, રંગીલા રસ ડેપો, બાલાજી રસ સેન્ટર, રજવાડી કોલ્ડ્રીંક્સ, શ્રીનાથજી ડેરી એન્ડ આઈસ્ક્રીમ, શિવ શેરડીનો રસ, શિવમ ડેરી ફાર્મ, તિરૂપતિ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, વિવેક કોલ્ડ્રીંક્સ, મોમાઈ રસ, સોનલ શેરડી રસ, બાલાજી રસ સેન્ટર, ખોડીયાર કોલ્ડ્રીંક્સ, સંતોષ સીઝન સ્ટોર દ્વારા વેચાણ કરાતી ખાદ્યચીજોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આઈ શ્રી ખોડીયાર એન્ટરપ્રાઈઝ (સન્ની પાજી દા ધાબા)માં સ્થળ તપાસ કરેલ તેમજ ફ્રીજમાં સંગ્રહ કરેલ વાસી દાલ મખની, રાંધેલા ભાત, કાપેલ ડુંગળી સબ્જી, મંચુરિયન, બાફેલા નૂડલ્સ મળીને કુલ 12 કિ.ગ્રા. અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશ કરી ખાદ્ય ચીજોના સંગ્રહ, જાળવણી તેમજ હાઈજિનિક કંડીશન જાળવવા બાબતની નોટીસ ફટકારવામાં આવી હતી.


