મહાભારતના વાણ પર્વમાં વ્યાધ ગીતાની કથા આવે છે.
થાય છે એવું કે એક વિદ્વાન તપસ્વી પોતાની ઉપર ચરકતા પક્ષીને દ્રષ્ટિથી ભસ્મ કરી નાખે છે અને એકદમ અહંકારી થઈ જાય છે..
આ અહંકારી વિદ્વાન એક ગૃહસ્થ સ્ત્રી પાસે ભિક્ષા લેવા પહોંચે છે તો સ્ત્રી એને સંભળાવે છે કે તું પક્ષીને ભસ્મ કરી શકે , મને નહિ. તારે સાચું જ્ઞાન જોતું હોય તો વ્યાધ પાસે જા. વ્યાધ એટલે શિકારી અથવા ખાટકી.
વિદ્વાન ખાટકી પાસે જાય છે જે પોતાના કામમાં વ્યસ્ત અને મસ્ત હોય છે.ખાટકી પાસેથી તે જ્ઞાન અર્જિત કરે છે.. એક ખાટકી જેવું કર્મ કરતા માણસ પાસે આટલું જ્ઞાન હોય તે જાણીને વિદ્વાન નો અહંકાર ઓગળી જાય છે.
- Advertisement -
ખાટકી એને સમજાવે છે કે તે જે કામ કરે છે તે સહજ પણે, ધર્મ સમજીને કરે છે . સમર્પણથી કરે છે. ખાટકી એના કામમાં અને પોતાના નાના એવા જગતમાં મસ્ત વ્યસ્ત છે.
ગોંડલના સાધક પૂજ્ય સ્વ નાથાલાલ જોશી કહેતા કે જાડી બુદ્ધિ આમ બહુ સારી, કેમકે બહુ તણાતા પણ તૂટી જાય નહિ..
ઓછું જાણતા, ઓછું વાંચતા, ઓછું સમજતા લોકો પણ અત્યંત સુખી, સફળ અને આનંદી જીવન પ્રાપ્ત કરતા હોય છે કેમકે એ લોકો પોતાના સાવ ટૂંકા, અવાસ્તવિક જગતમાં તલ્લીન રહેતા હોય છે. જ્યારે ખૂબ જાણતા, અત્યંત વિદ્વાન લોકો દુ:ખી રહેતા દેખાય છે .કેટલાય તત્વદર્શકો અને વિદ્વાનો એ આત્મહત્યા કરેલી છે એવું આપણે જાણીએ છીએ..અમલદાર આત્મહત્યા કરે પણ કોઈ નેતો કદી આત્મહત્યા નથી કરતો .. કેમકે તે બહુ ઓછું , ખપસરનું જાણતો હોય છે..
- Advertisement -
ઓછું જાણીને , કોઈ અવાસ્તવિક માન્યતામાં રહેવું એને વિભ્રમ કહેવાય . પણ આજના જમાનાના યુવાનો એને કહે છે : ડેલુલુ !!
આ ડેલુલુ શબ્દ આજે આખા જગતમાં અત્યંત પ્રચલિત થઈ ગયો છે.. પોતાની અવાસ્તવિક દુનિયામાં રહીને ખુશ રહેવાના ગુણને ડેલુલુ કહેવાય. યંગ લોકો કહે છે કે ડેલુલું ઇઝ સોલૂલું.. અર્થાત્ આવી રીતે જીવવું જ લાઇફની બધી તકલીફોનું સોલ્યુશન/સોલુલું છે !!
ભક્ત કવિ નરસિંહ મહેતા અને મીરાંબાઈ કહેતા કે એમને શ્રીકૃષ્ણના દર્શન થયેલા. આ એમની શ્રધ્ધા એટલી અટલ હતી કે નરસિંહ મહેતાના દીકરીનું મામેરું પણ કૃષ્ણ કોઈ શેઠ સ્વરૂપે આવીને ભરી ગયેલા !! આ આજના સમયમાં વૈજ્ઞાનિક રીતે અવાસ્તવિક લાગતી વાત સાચી હોઈ શકે એમ વિજ્ઞાન પોતે પણ ધીમે ધીમે કબૂલે છે.
યોગમાર્ગ પણ આસન પ્રાણાયામ સિદ્ધ થાય એની પછી ધ્યાન કરવાનું કહે છે. મૂર્તિ, દીવો, કોઈ કલ્પના, કોઈ દેવની માનસી પૂજા ઈત્યાદિ નું ધ્યાન કરી શકાય એવું જણાવે છે..
મોટાભાગની વૈજ્ઞાનિક શોધ ખોળ પણ આ ડેલુલુ જેવા તરંગી વિજ્ઞાનીઓ એ કરેલી છે, બહુ વાસ્તવિક દુનિયામાં જીવતા વિદ્વાન લોકોએ નહિ. બાકી કોને વિશ્વાસ થાય કે અનેક લોકો ઉડીને એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે અથવા તો દૂર દૂર રહેલા લોકો વિડિયો કોલ કરી શકે ? આ માણસના તરંગી સંકલ્પનો કમાલ છે ! આર્તિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એકસમયે લોકોને તુક્કો લાગતી પણ આજે તે અત્યંત પાવરફુલ ટેકનોલોજી બનીને સામે આવી છે તે પણ આવા કલ્પનાઓ કરતા રહેતા “ગીક” લોકોની દેન છે!
જગત અસમતાઓ , વિષમતાઓ, દુ:ખો,યાતનાઓ અને અન્યાયોથી ભરેલું છે.. એને વાસ્તવિક સ્વરૂપે જોવાનું જ્ઞાન થઈ જાય તો માણસ જીવવાનો રસ ગુમાવી બેસે. આથી જરૂરી છે કે માણસ થોડો કે ઘણો વિભ્રમમાં રહે, ડેલૂલુ રહે !!
બહુ ડાહ્યો બહુ ખરડાય એમ બહુ વાસ્તવિકતામાં રહેતો માણસ બહુ દુ:ખી થાય એની કરતા ભ્રમમાં જીવતો ડેલુલુ પ્રમાણમાં સુખી રહે!!
કૃષ્ણ અર્જુનને ડેલુલુ રહેવાનું સજેશન કરે છે . એ કહે છે કે ભલે બધું કરનાર અને રચનાર પરમાત્મા હું પોતે છું અને તમામ કર્મના ફળ પણ હું જ આપુ છું પણ તારે તો એમ જ વર્તવું કે તારા કર્મથી જ તને (જે કાઇ) ફળ મળશે તો મળશે!!
આ વાતને વૈજ્ઞાનિક રીતે પણ રિસર્ચરોએ સાબિત કરી છે કે માણસના જીવનમાં પ્રગતિ અને સુખ દુ:ખનો મોટો આધાર ભાગ્ય ઉપર જ છે એમ છતાં ભાગ્યનો આધાર રાખીને બેઠો રહેતો માણસ દુ:ખી થાય છે. પણ જો તે માણસ ભાગ્યનો રોલ ભૂલીને ડેલુલુ થઈ જાય અને કર્મ કરવા લાગે તો એને સફળતા મળવાનો ચાન્સ ખાસ્સો વધી
જાય છે.
ડેલૂલુ બનવાના ગેરલાભ પણ છે , એમ છતાં માપસર ડેલુલુ રહેવું જરૂરી છે….. એમ ધર્મ અને વિજ્ઞાન બેય કહે છે !



