ક્રિકેટ સટ્ટામાં મહેશ આસોદરિયાનું નામ ખુલતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એકશનમાં
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ક્રાઈમ બ્રાન્ચે અટીકા વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો રમતાં બે શખ્સને ઝડપી પાડ્યા હતા. શખ્સને ઝડપી પાડ્યા બાદ આઈડી આપનાર મુંબઈ અને રાજકોટના ત્રણ શખ્સોના નામ ખુલ્યા હતા. જેમાં એક રાજકોટ લોધીકા સંઘના ડિરેકટર મહેશ આસોદરિયાનું નામ ખુલ્લતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ થયો છે. ક્રિકેટ સટ્ટામાં રાજકોટના વ્યક્તિનું નામ સામે આવતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગયું છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજકોટમાં ક્રિકેટ આઈડીના સટ્ટાબાજી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ ઈસમ ક્રિકેટ આઈડીના સટ્ટા રમતા કે રમાડતા ઝડપાશે તો તેના વિરુધ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. FSLની મદદ લઈને પ્રાઈવેટ ક્રિકેટ આઈડીના મુળ સુધી પોલીસ પહોંચશે. તેમજ ગઈકાલે ક્રિકેટ સટ્ટામાં પકડાયેલા બંને શખ્સોએ વાપરેલાં આઈડીના મુળ સુધી તપાસ કરવામાં આવશે.
સટ્ટાબાજોને બાનમાં લેવા માટે રાજકોટ CPના માર્ગદર્શન અને સુચના હેઠળ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદીઓ વોટ્સ અથવા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે રૂબરૂમાં આવીને ફરિયાદ નોંધાવી શકે છે. અરજી માટે ઓફિસે સવારના 11 થી 1 ની વચ્ચે રૂબરૂ આવી શકે છે. ક્રાઈમ બ્રાન્ચ પાસે અત્યાર સુધીમાં 7 અરજીઓ આવી ચુકી છે. જેમાંથી 3 અરજીઓ વોટ્સ મારફત આવી છે અને બાકીની અરજીઓ રૂબરૂ આવી છે તેમ ડી.સી.પી. પાર્થરાજસિંહે કહ્યું હતું.
વ્યાજખોરોના ત્રાસથી જનતાને મુક્ત કરાવવા પોલીસ પ્રયત્નશીલ
- Advertisement -
વ્યાજખોરો અને સટ્ટાબાજોના ત્રાસથી જનતાને મુક્ત કરવા માટે રાજકોટ પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે તેવી ખાતરી આપતાં ડી.સી.પી. પાર્થરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જનતા નાની લોન માટે લાયસન્સ વગરની સંસ્થાઓ અને વ્યાજખોરો પાસે ઓછા દરે લોન લેતા હોય છે. ત્યારે પોલીસ તંત્રને લોકોને સલાહ છે કે, લાલચમાં આવ્યા વગર સહકારી બેંકો અને ગર્વમેન્ટ બેંકોમાંથી લોન લેવી જોઈએ. સરકાર નીતિ નિયમ મુજબ યોગ્ય ટકાવારી સાથે જનતાને લોન આપતી હોય છે. ત્યારે ઓછા ટકાવારીના ચકરમાં વ્યાજખોરોના ત્રાસમાં ન ફસાવું જોઈએ.


