રોજીરોટી બચાવવા માનવતાભર્યો નિર્ણય લેવા કોંગ્રેસની માંગ
વૈકલ્પિક સ્થળ ફાળવ્યા વિના કાર્યવાહી ન કરવા કમિશનરને રજૂઆત
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં નાના લારી-ગલ્લા ધારક વેપારીઓ સામે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી કાર્યવાહીનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને નાના વેપારીઓને વૈકલ્પિક સ્થળ ફાળવ્યા વિના તેમને હટાવવાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે હાલ વધતી જતી મોંઘવારી અને આર્થિક સંજોગોમાં સામાન્ય તથા ગરીબ વર્ગનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. આવા સમયમાં રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવતા નાના લારી-ગલ્લા ધારકોને સ્થળ પરથી દૂર કરવાની કાર્યવાહી અનેક પરિવારો માટે ગંભીર આર્થિક સંકટ ઊભું કરી શકે છે. કોંગ્રેસે રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના વેપારીઓને હટાવવાની કાર્યવાહી માનવતાના સિદ્ધાંતોને અનુરૂપ નથી. આ વેપારીઓ પાસે આવકનું અન્ય કોઈ સાધન ન હોવાથી તેમની રોજગારી બંધ થવાથી તેમના પરિવારના ભરણપોષણ પર સીધી અસર પડશે.
કોંગ્રેસ સમિતિએ કમિશનરને વિનંતી કરી છે કે હાલ ચાલી રહેલી કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે. જો ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધા અથવા અન્ય વહીવટી કારણોસર સ્થળાંતર અનિવાર્ય હોય તો સૌપ્રથમ વેપારીઓના ધંધાની પ્રકૃતિ, ગ્રાહકોની સુવિધા અને રોજગારીને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય વૈકલ્પિક સ્થળ ફાળવવામાં આવે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે. ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ હંમેશા નાના વેપારીઓ, શ્રમિકો અને ગરીબ વર્ગના હિતમાં અવાજ ઉઠાવતો રહ્યો છે. તેમણે મહાનગરપાલિકાને માનવતાભર્યો અભિગમ અપનાવી નાના વેપારીઓની રોજગારી સુરક્ષિત રહે તે માટે સંવેદનશીલ નિર્ણય લેવા અને જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.




