ફૂટબોલને મુખ્ય પ્રવાહમાં લાવવા સંયુક્ત પ્રયાસો અનિવાર્ય : પરિમલ નથવાણી
ગ્રાઉન્ડ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણનો અભાવ: કોર્પોરેટ સ્પોન્સરશિપ અને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારીથી રમતનો વિકાસ શક્ય
- Advertisement -
શહેરોમાં ટર્ફ સંસ્કૃતિ વધી પરંતુ પ્રોફેશનલ પ્લેટફોર્મ બાકી: સરકારી નીતિઓ અને મજબૂત ચાહક વર્ગથી યુવા પ્રતિભાઓને મળશે નવી દિશા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબોલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (ઈંજક) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (અઈંઋઋ)ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત જેવા અગ્રેસર રાજ્યમાં ફૂટબોલને હજુ પણ જરૂરી પ્રોત્સાહન મળવાનું બાકી છે.
ગુજરાત ઉદ્યોગસાહસિકો, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સશક્ત રમતગમત સંસ્કૃતિ ધરાવતી ધરતી છે. અહીં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (ૠજઋઅ), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (જઅૠ), વિવિધ ફૂટબોલ ક્લબો અને ઉદ્યોગસાહસિકોના પ્રયત્નો છતાં રાજ્યમાં ફૂટબોલ હજુ પણ પાછળ છે. ક્રિકેટની જેમ ફૂટબોલ પણ વૈશ્વિક સ્તરે અબજો ડોલરનો ઉદ્યોગ છે. રાજ્યમાં ફૂટબોલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી થઈ શકે છે.
રાજ્યમાં ગ્રાસરૂટ સ્તરે ફૂટબોલને વ્યવસ્થિત રીતે વિકસાવવાની તાતી જરૂર છે. ગુજરાતની શાળાઓ અને કોલેજો ઘણીવાર ક્રિકેટને જ પ્રાથમિકતા આપે છે, જેના કારણે ફૂટબોલ માટે માળખાકીય સુવિધાઓ અને કોચિંગનો અભાવ વર્તાય છે. સુવ્યવસ્થિત આંતર-શાળા લીગ, પ્રમાણિત કોચિંગ પ્રોગ્રામ અને રમત માટેના મેદાનો ફૂટબોલમાં યુવાનોની ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારી શકે છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરી કેન્દ્રોમાં ટર્ફ ગ્રાઉન્ડ્સ, એમેચ્યોર લીગ્સ અને વીકએન્ડ ટૂર્નામેન્ટ્સના કારણે રિક્રિએશનલ ફૂટબોલ સંસ્કૃતિ ચોક્કસ વધી છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મના અભાવે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ આવી શકતા નથી.
ફૂટબોલના વિકાસમાં કોર્પોરેટ સ્પોન્સરશિપ્સ અને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. જે રીતે ગુજરાતના ઉદ્યોગોએ આર્થિક વિકાસને ગતિ આપી છે, તે જ રીતે તેઓ વિવિધ વય જૂથો માટે પુરુષો અને મહિલાઓની ટૂર્નામેન્ટ્સને સ્પોન્સર કરીને રમતના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે. આનાથી રાજ્ય સ્તરની ટીમોને રાષ્ટ્રીય સ્તરે નિયમિત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
ફૂટબોલ માત્ર રમત નથી, પરંતુ તે ફિટનેસ, શિસ્ત અને ટીમવર્કનું એક સશક્ત સાધન છે. આ ક્ષેત્રમાં સરકારનો ટેકો પ્રેરક બળ બની શકે છે. ફૂટબોલ મેદાનો માટે જમીન ફાળવતી નીતિઓ, શિક્ષણમાં રમતગમતનો ફરજિયાત સમાવેશ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાથી વિકાસ ઝડપી બનશે.
આ સાથે જ સ્થાનિક ક્લબોને પ્રોત્સાહન આપીને સુષુપ્ત દર્શકોને સક્રિય ચાહક વર્ગમાં બદલવાનો પડકાર છે. ગુજરાત પાસે યુવા શક્તિ અને સંસાધનો બંને છે, બસ હવે સંસ્થાઓ, ઉદ્યોગો અને સમુદાયોના સંયુક્ત પ્રયત્નોની દિશામાં મજબૂત પ્રતિબદ્ધતાની જરૂર છે.



