13 કરોડ મતદારોના નામ કમી કરવાનાં આક્ષેપ સાથે અભિજીત દીપકે ગાંધીવાદી માર્ગે દેશવ્યાપી આંદોલનની આપી ચીમકી
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરી છે કે જો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પોતાનાં પદ પરથી રાજીનામું નહીં આપે, તો ૧૦ ઓક્ટોબરે દેશભરમાંથી લોકો દિલ્હીનાં જંતર મંતર ખાતે માર્ચ કરશે. મુંબઈનાં શિવાજી પાર્કમાં યોજાયેલી મોટી વિરોધ રેલી બાદ શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર તેમણે આ નવી રણનીતિની ઘોષણા કરી હતી. પોલીસની મંજૂરી ન હોવા છતાં આ મુંબઈ પ્રદર્શનમાં હજારો લોકો ઉમટી પડયાં હતાં, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અભિજીત દીપકે જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનાં આ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મહાત્મા ગાંધીના બતાવેલા અહિંસક માર્ગ પર જ રહેશે. તેમણે દેશનાં તમામ નાગરિકોને લોકશાહી બચાવવા અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણીની માંગ સાથે આ આંદોલનમાં જોડાવા માટે હાકલ કરી છે. તેમણે સરકાર અને પોલીસને ચેતવણી આપતા ઉમેર્યું હતું કે જો જ્ઞાનેશ કુમાર પદ નહીં છોડે તો દેશનો યુવા વર્ગે દિલ્હી પહોંચીને ‘જંતર મંતર ૨.૦ જેવું મોટું આંદોલન ઊભું કરશે, જેને રોકવું સરકાર માટે અશક્ય બની જશે.’ CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાં ઉપરાંત તેમની સામે યોગ્ય ગુનાહિત કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પાર્ટીએ ૨૦૨૫ની મતદાર યાદીઓને તત્કાલ અસરથી સ્થગિત (ફ્રીઝ) કરવાની અને ૨૦૨૩માં બનાવેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદાને સંપૂર્ણપણે રદ કરવાની રજૂઆત કરી છે. પાર્ટીનાં નેતાઓનું માનવું છે કે આ નવો કાયદો ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વાયત્તતાને નુકસાન પહોંચાડી રહ્યો છે. પાર્ટીનો મુખ્ય આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓના સુધારા દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. અભિજીત દીપકે દાવો કર્યો હતો કે દેશભરમાંથી છેલ્લાં બે વર્ષમાં ૧૩ કરોડથી વધુ મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવામાં આવ્યાં છે, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં ૪૦ લાખ નવા મતદારો ઉમેરવામાં આવ્યાં હતાં. આ આંકડાઓને રજૂ કરતાં તેમણે ચૂંટણી પંચની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતાં અને તપાસની માંગ કરી હતી. CJPએ એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલ્હી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વિપક્ષી નેતાઓના મતક્ષેત્રોમાંથી મોટા પ્રમાણમાં મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યાં હતા.
પાર્ટીના જણાવ્યાં મુજબ, આ પ્રકારનાં ફેરફારો કરીને ચૂંટણી પરિણામો પર સીધી અસર પાડવાનો અને સત્તાધારી ભાજપને મોટો ફાયદો પહોંચાડવાનો સુનિયોજિત પ્રયાસ કરવામાં આવ્યો છે. દીપકે આ સરખામણી ફિક્સ મેચ સાથે કરતાં જણાવ્યું હતું કે આ બધું લોકશાહીના મુલ્યોની વિરુદ્ધ થઈ રહ્યું છે. પોલીસ પરવાનગી ન હોવા છતાં મુંબઈનાં શિવાજી પાર્ક ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં તિરંગા અને રાજીનામાની માંગ કરતાં બેનરો સાથે ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.




