ઇ-ફાર્મસીની લડતમાં દેશના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને રાજકોટના 1600 કેમિસ્ટનો વિરોધ
‘ઓનલાઇન ફાર્મસી બંધ નહીં થાય તો મેડિકલ સ્ટોરને તાળા મારી ચાવી સરકારને સોંપી દઇશું’
- Advertisement -
આ લડાઈ જનતાના હક્ક માટેની છે, જનતા સામેની નથી: ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજા
અમરેલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં સજજડ બંધ: ઇમરજન્સી કેસમાં દવા પૂરી પાડવાની ખાસ વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઓનલાઇન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાળમાં આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાળી વિરોધ કરી રહ્યા છે. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે. ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને રાજકોટના 1600 જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિયેશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. દવાઓનું ઓનલાઇન વેચાણ અને ડુપ્લીકેટ દવાઓના વેચાણથી જનઆરોગ્ય સામે ખતરો થતા આજે દેશવ્યાપી કેમિસ્ટોની હડતાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 60 હજાર કેમિસ્ટોએ સમર્થન આપી વહેલી સવારથી મેડિકલ સ્ટોર બંધ રાખી ઇ-ફાર્મસીમાં વિરોધમાં ધરણા-સુત્રોચ્ચાર, રેલી, દેખાવો યોજી હતી. રાજકોટ ખાતે મેડીકલ એસો.ના એલાન મુજબ આજે સવારે મોટી ટાંકી ચોક ખાતે મોટી સંખ્યામાં દવાઓના વેપારીઓએ એકત્ર થઇ ધરણા-સુત્રોચ્ચાર, બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી દેશ વ્યાપી લડતને જબરૂ સમર્થન પુરૂ પાડયું હતું. કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા, માનદ મંત્રી અનિમેષભાઇ દેસાઇની આગેવાનીમાં 1600 જેટલા દવાઓના વેપારીઓ મેડીકલ સ્ટોર બંધ રાખી હડતાલને સફળ બનાવી હતી.
રાજકોટ કેમિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019થી અમે વારંવાર સરકારને રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારી રજૂઆતને વાચા આપવામાં આવતી નથી અને મળવા માટેનો સમય પણ આપવામાં આવતો નથી. જેના કારણે આજે એક દિવસીય બંધ આપવામાં આવેલું છે. જેથી અમારો અવાજ અને અમારી તકલીફો કેન્દ્ર સરકાર સુધી ડાયરેક્ટ પહોંચે.
કેમિસ્ટ અને ડ્રગિસ્ટોની મુખ્ય માગણી
– ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે.
– કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ કરવામાં આવે.
– કોર્પોરેટ કંપની દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરો.
– ગેરકાયદે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ લગાવો.
– નશાકારક દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરવામાં આવે.



