કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ રેડિએશન ઓન્કોલોજી વિભાગનું ઈ-લોકાર્પણ કર્યુઃ રાજકોટ એઈમ્સમાં રેડિયોથેરાપી, કિમોથેરાપી અને સર્જરીની સુવિધા ઉપલબ્ધ
ઈ-લોકાર્પણ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
- Advertisement -
ભારત સરકારના સક્રિય પ્રયાસોથી સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં અદ્યતન કેન્સર સારવારને નવી દિશા સાંપડી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડા દ્વારા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટ ખાતે 39 કરોડના ખર્ચે નવનિર્મિત એડવાન્સ રેડિએશન ઓન્કોલોજી વિભાગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ એઈમ્સમાં કાર્યરત થયેલી આ અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા કેન્સરના દર્દીઓના ઈલાજ માટે માઈલસ્ટોન સાબિત થશે. અગાઉ સૌરાષ્ટ્ર અને કચ્છના કેન્સર પીડિત દર્દીઓ તેમજ તેમના પરિવારોને રેડિએશન જેવી લાંબી ચાલતી સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે પુણે જેવા મોટા શહેરો સુધી લાંબા થવું પડતું હતું. સ્થાનિક કક્ષાએ આ અદ્યતન સારવાર ઉપલબ્ધ થતાં દર્દીઓનો મુસાફરીનો સમય, શારીરિક હાલાકી અને આર્થિક બોજ મોટા પાયે હળવો થશે.
દેશમાં પ્રાઈમરી, સેકન્ડરી અને ટર્શરી હેલ્થકેર સિસ્ટમ વચ્ચે મજબૂત સમન્વય સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં ૧.૮૩ લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો ‘ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ’ તરીકે કાર્યરત છે. અહીં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ ઉપરાંત ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરનું પ્રાથમિક સ્ક્રિનિંગ થાય છે અને જરૂર પડ્યે દર્દીઓને એઈમ્સ જેવી ઉચ્ચ સંસ્થાઓમાં ટર્શરી કેર માટે મોકલવામાં આવે છે. રાજકોટ એઈમ્સમાં હવે રેડિયોથેરાપી, કિમોથેરાપી અને સર્જિકલ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનતાં સમગ્ર પશ્ચિમ ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને મોટું બળ મળ્યું છે.નવનિર્મિત રેડિએશન ઓન્કોલોજી વિભાગ અત્યાધુનિક ઉપકરણો જેવાં કે હાઈ-એનર્જી લિનિયર એક્સિલરેટર (Linear Accelerator), વાઈડ-બોર સીટી સિમ્યુલેટર (CT Simulator) અને હાઈ-ડોઝ-રેટ (HDR) બ્રેકીથેરાપી યુનિટથી સજ્જ છે. આ તકનીક કેન્સરગ્રસ્ત કોષોને અત્યંત ચોકસાઈપૂર્વક લક્ષિત કરી આસપાસના સ્વસ્થ અંગોને નુકસાન થતું અટકાવે છે, તેમજ ગર્ભાશય સહિત સ્ત્રી સંબંધિત કેન્સરના ઈલાજમાં અત્યંત કારગર નીવડે છે.સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આયુષ્માન ભારત (PM-JAY) યોજનાના લાભાર્થીઓને નિયત કેન્સર સારવાર વિનામૂલ્યે મળશે.




