દિવાળીમાં ફ્લાઈટ ટિકિટો 700% મોંઘી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 શબ્દો કહી તાત્કાલિક સુનાવણી ફગાવી દીધી
દિવાળીના તહેવાર દરમિયાન ખાનગી એરલાઇન્સ દ્વારા વિમાન ભાડામાં મનસ્વી વધારો કરવામાં આવતો હોવાની ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં સામાન્ય ભાડાની સરખામણીએ ટિકિટના ભાવમાં ૭૦૦ ટકા સુધીનો વધારો થયો હોવાનો દાવો કરીને ભાડા પર મર્યાદા નક્કી કરવાની માગ કરાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની માગ ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથે અરજી પર સુનાવણીની માગ અંગે ટિપ્પણી કરતાં માત્ર ચાર શબ્દોમાં કહ્યું, ‘વિમાનમાં મુસાફરી ન કરો.’ ત્યારબાદ તેમણે બેન્ચ સમક્ષ આગામી કેસ રજૂ કરવા જણાવ્યું હતું.
આ અરજી જાહેર હિતની અરજી (PIL) તરીકે દાખલ કરવામાં આવી છે. તેમાં તહેવારો, રજાઓ અને કટોકટીના સમયમાં ખાનગી એરલાઇન્સ દ્વારા મનસ્વી અને અતિશય ભાડું વસૂલવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજદારે દલીલ કરી હતી કે હવાઈ મુસાફરી આવશ્યક સેવા છે અને ભાડામાં અચાનક થતો મોટો વધારો બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે. આ કલમ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે.કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભારતીય વાયુયાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ હવાઈ ભાડાનું નિયમન કરવા માટેના નવા નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ નિયમો બે અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા હોવાનું પણ જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૧૬ નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણી પહેલાં નવા નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, અરજદારે વહેલી સુનાવણીની માગ કરી હતી, જેને જસ્ટિસ વિક્રમ નાથે ફગાવી દીધી હતી.
વિશ્વભરમાં ફેબ્રુઆરીથી હવાઈ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજોને નિશાન બનાવ્યાં હતાં. વૈશ્વિક ઊર્જા પુરવઠાના લગભગ પાંચમા ભાગ માટે મહત્ત્વપૂર્ણ આ દરિયાઈ માર્ગ પરની નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી હતી. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી અને ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર પહોંચી ગયા હતા. અમેરિકા ફરી ઈરાન પર હુમલા કરવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે.



