બહારના ત્રણ વ્યક્તિઓ સરકારી ફાઈલોની તપાસ કરતા હોવાનો કોંગ્રેસનો દાવો
શહેરી વિસ્તારમાં બિનખેતીની ફાઈલ દીઠ એક એકરના રૂ.1.25 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1 લાખ વસૂલાતા હોવાની રજૂઆત
- Advertisement -
નાયબ મામલતદાર મુકેશ રાઠોડને તાત્કાલિક બદલી અને તટસ્થ તપાસ અન્ય જિલ્લાના અધિકારીઓને સોંપવા માંગ
રાજકોટ કલેક્ટર કચેરીના બિનખેતી વિભાગમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો ડૉ. હેમાંગભાઈ વસાવડા, કૃષ્ણદત્તભાઈ રાવલ અને સંજયભાઈ લાખાણીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિનખેતી વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મુકેશભાઈ રાઠોડની કામગીરી સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારી કચેરીમાં બહારની ત્રણ વ્યક્તિઓને બેસાડી સરકારી ફાઈલોની તપાસ, અરજદારોને માર્ગદર્શન અને અન્ય કર્મચારીઓને સૂચનાઓ આપવાનું કામ કરાવવામાં આવતું હતું.
- Advertisement -
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, વિજય પરમાર, ટી.બી. લીંબાસીયા અને પ્રકાશભાઈ સોલંકી નામના ત્રણ વ્યક્તિઓ લાંબા સમયથી બિનખેતી વિભાગમાં સરકારી કર્મચારીઓની જેમ કામગીરી કરતા હતા. તેઓ બિનખેતી માટે આવેલી ફાઈલો તપાસતા, તેમાં જરૂરી દસ્તાવેજો અંગે અરજદારોને માર્ગદર્શન આપતા તેમજ ફાઈલની પ્રક્રિયા માટે અન્ય કર્મચારીઓને સૂચનાઓ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, શહેરી વિસ્તારમાં બિનખેતીની ફાઈલ માટે એક એકર દીઠ રૂ.1.25 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક એકર દીઠ રૂ.1 લાખ વસૂલવાની વ્યવસ્થિત ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ ચાલતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, કલેક્ટર કચેરીમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોવા છતાં બહારની વ્યક્તિઓની કચેરીમાં સતત હાજરી અને સરકારી ટેબલ પર બેસીને કામગીરી કરવાની બાબત તંત્રના ધ્યાન બહાર કેવી રીતે રહી તે તપાસનો વિષય છે. કોંગ્રેસે નાયબ મામલતદાર દ્વારા સ્ટાફની અછતના કારણે બહારના લોકોની મદદ લેવામાં આવતી હોવાના નિવેદન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાફની અછત હોય તો સત્તાવાર રીતે વધારાના કર્મચારીઓની માંગણી કરવી જોઈએ, પરંતુ ખાનગી વ્યક્તિઓ પાસે સરકારી કામગીરી કરાવવી નિયમવિરુદ્ધ હોવાનું આવેદનમાં જણાવાયું છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે, આ મામલે કલેક્ટર દ્વારા નાયબ મામલતદારને શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનું અને તપાસ એડિશનલ કલેક્ટર બારોટને સોંપવામાં આવી હોવાનું મીડિયાને જણાવાયું હતું. જોકે, પોતાના તાબા હેઠળના અધિકારી સામે સ્થાનિક સ્તરે થતી તપાસની તટસ્થતા અંગે પ્રશ્ન ઉઠાવી અન્ય જિલ્લાના અધિકારીઓની તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ નાયબ મામલતદાર મુકેશભાઈ રાઠોડને તાત્કાલિક બિનખેતી વિભાગમાંથી બદલી કરવા, કચેરીના તમામ વિભાગોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવા, ત્રણેય બહારની વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ પોલીસ ફરિયાદ (FIR) નોંધવા માંગ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પુરાવાનો નાશ ન થાય તે માટે તાત્કાલિક પગલાં ભરવા અને અત્યાર સુધી લેવાયેલા પગલાં અંગે લેખિત જાણ કરવા પણ કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.




