જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી : એ ડિવિઝનમાં ગુનો
‘તમે સરસ લાગો છો, શરીર સારું મેઇનટેન કર્યું છે’ વખાણ કરી દુષ્કર્મ આચર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પાસે બિલ્ડિંગના ત્રીજા માળે જમીન-મકાનના ધંધાર્થીએ જમીનનો વિવાદ દૂર કરી દેવાના બહાને ઓફિસે બોલાવી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેની મરજી વિરુદ્ધ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને જો આ બનાવની વાત કોઇને કહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ કરતાં એ.ડિવિઝન પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
- Advertisement -
રાજકોટના ભાવનગર રોડ પાસેના એક વિસ્તારમાં રહેતા 40 વર્ષની મહિલાએ એ.ડિવિઝન પોલીસ મથકમાં વિક્રમ વાલાભાઈ સોહલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ટ્રસ્ટનું કામ કરતા હોય જે ટ્રસ્ટની કોઈ જમીનમાં કબજો હોય અને વિવાદ ચાલતો હોય જેથી તેને કોઇ મિત્રએ ધર્મેન્દ્ર રોડ નજીક રાજદીપ કોલ્ડ્રીંક્સવાળા બિલ્ડિંગમાં ત્રીજા માળે ઓફિસ ચલાવતો અને જમીન-મકાનનો ધંધો કરતો વિક્રમ આ જમીનનો વિવાદ દૂર કરી આપશે તેવી વાત કરી હતી. દરમિયાન મહિલાએ તેને ફોનમાં ટ્રસ્ટની જમીનના વિવાદ અંગે વાત કરતા તેને ઓફિસે બોલાવી હતી.
બાદમાં વાત કરતી વેળાએ વિક્રમે મહિલાના વખાણ કરતો હોય જેથી મહિલાએ ત્યાંથી જવા માટે ખુરશી પર ઊભા થતા વિક્રમે તેની ઓફિસનો દરવાજો બંધ કરી મહિલાનો હાથ પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બેફામ ગાળાગાળી કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વિક્રમે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા પીઆઇ બારોટ સહિતે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
ખાસ-ખબર દ્વારા કૂખ્યાત વિક્રમ ભરવાડનો મહિલા ઉપર બળાત્કાર અંગેના અહેવાલ છેક 10 અને 11 ડિસેમ્બર 2024ના પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે વિક્રમ ભરવાડ વિરુદ્ધ પોલિસ તંત્ર દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોવાના પિડીત મહિલાએ આક્ષેપ કર્યા હતા.