દારૂ ભરેલી ગાડીઓ રોકતાં પોલીસકર્મીઓએ માંડ-માંડ જીવ બચાવ્યોઃ મેવાણીએ કહ્યું, SP-IGનો ખુલાસો માંગતા નથી
રાજસ્થાનથી બનાસકાંઠામાં દારૂની હેરાફેરી રોકવા માટે દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર બુટલેગરોએ ગાડીઓ ચઢાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂ ભરેલી અનેક વાહનોને રોકવાનો પ્રયાસ કરતા ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચોને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વડગામના ધારાસભ્યએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને ગંભીર ગણાવીને બનાસકાંઠાના એસપી (SP) અને રેન્જ આઈજી (IG) સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી છે. હાલ જજ્બઈ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનના મેથીપુરા ગામે આવેલા પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા થઈને ગુજરાતમાં પ્રવેશવાની છે તેવી બાતમી જબઈને મળી હતી. આ ગાડીઓનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગર ખાતે રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવી રહ્યું હતું. આ બાતમીના આધારે SMCના પીઆઈ પી.બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની પાછળ ઈનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓ કાફલા સાથે આવી પહોંચતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરોના ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચો પર સીધી ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની ક્રેટા કારને જોરદાર ટક્કર મારી હતી.
નોંધનીય બાબત એ છે કે ગાંધીનગરની SMC ટીમ બનાસકાંઠામાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપવા માટે આવતી હોય, તો સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) ટીમ શું કરી રહી હતી? તેને લઈને અનેક પ્રકારના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે, બુટલેગરો ભયંકર બેફામ બન્યા છે. બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમ ઉપર બુટલેગરોએ હુમલો કર્યો. થોડાક દિવસ પૂર્વે આ જ બનાસકાંઠામાં બુટલેગરોએ બીએસએફ (BSF)ના જવાન ઉપર પણ હુમલો કર્યો હતો, છતાં એસપી કે આઈજીનો કોઈ ખુલાસો માંગવામાં આવ્યો નહીં કે તેમની સામે કોઈ ઈન્કવાયરી ઓર્ડર કરવામાં આવી નહીં. મેવાણીએ આક્ષેપ કર્યો કે, બનાસકાંઠામાં બહેનો, દીકરીઓ અને માતાઓ સતત વિધવા બની રહી છે, છતાં એસપી કે આઈજી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી; તમામ કાર્યવાહી માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ સામે જ કરવામાં આવે છે. એનું જ પરિણામ છે કે ગઈકાલે રાત્રે દાંતીવાડામાં એસએમસીની ટીમ ઉપર બુટલેગરોએ હુમલો કર્યો અને ખેરાલુમાં એક ફોર્ચ્યુનર ગાડી દ્વારા બુટલેગરે સથવારા સમાજના એક વ્યક્તિ પર ગાડી ચઢાવીને તેમની હત્યા કરી નાખી.આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું છે કે નહીં?



