9/11 હુમલા બાદ બીજી વખત એર ઇમરજન્સી : 15 લાખ મુસાફરો એરપોર્ટ્સ પર ફસાયા
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતા શુક્રવારે ૪ કલાકથી વધુ સમય સુધી વિમાનોની ઉડાન રોકવી પડી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે ઋબઓએ સુરક્ષાના કારણોસર દેશભરના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન ૮,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ અને લગભગ ૧૫ લાખ મુસાફરોને અસર થઈ. શુક્રવારે રાત્રે ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકવાદી હુમલા (૯/૧૧) પછી આ બીજી વખત છે, જ્યારે અમેરિકામાં તમામ ઉડાનો રોકવામાં આવી છે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૩માં FAAની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા આવું થયું હતું. અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે ૫૦ અબજ ડોલરની માગ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ માટે કોંગ્રેસ પાસેથી ૩૦ અબજ ડોલર માંગ્યા છે. ડફીએ કહ્યું કે સિસ્ટમની નાની-મોટી મરામત કરવાને બદલે તેને સંપૂર્ણપણે આધુનિક બનાવવાની જરૂર છે. ગયા વર્ષે કોંગ્રેસે આ માટે ૧૨.૫ અબજ ડોલર મંજૂર કર્યા હતા. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી મંત્રી માર્કવેન મુલિને જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં આવેલી ખામી પાછળ હાલમાં કોઈ સાયબર હુમલાના સંકેત મળ્યા નથી.



