રાજકોટમાં ભૂમાફિયાઓ પર તવાઈની તૈયારીઃ ફરિયાદો અંગેના કુલ 60 જેટલા પડતર અને નવા કેસોનું હિયરિંગ હાથ ધરવામાં આવશે
જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે કડક પગલાં ભરવા માટે જિલ્લા વહીવટી તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે. આગામી તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ ને શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે.આ બેઠકમાં જમીન પચાવી પાડવાની ફરિયાદો અંગેના કુલ ૬૦ જેટલા પડતર અને નવા કેસોનું હિયરિંગ (સુનાવણી) હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કમિટી દ્વારા તમામ ૬૦ કેસોમાં સંબંધિત અરજદારો અને સામાવાળા પક્ષોની રજૂઆતો સાંભળવામાં આવશે તેમજ જમીનને લગતા દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જે કેસોમાં તથ્ય જણાશે તેમાં જવાબદાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવા સહિતના કડક નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકને પગલે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો જમાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- Advertisement -




