ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં 8923 બોટલ પર રોડરોલર ફરી વળ્યું
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સાથે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પેન્ડીંગ રહેલા મુદ્દામાલના નિકાલ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શાપર પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા છ મહિના દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર તેમજ ઈન્ચાર્જ એએસપી ડો.નવિન ચક્રવર્તી દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને પોલીસ સ્ટેશનમાં જમા થયેલા મુદ્દામાલનો કાયદેસર નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી આ સૂચના અન્વયે શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસ દરમિયાન નોંધાયેલા દારૂના કુલ 25 ગુનાઓમાં પકડાયેલી જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલોનો નાશ કરવા માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોટડાસાંગાણી કોર્ટ સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી કોર્ટ તરફથી મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી મળ્યા બાદ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ રાજકોટ શહેર-2 દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમના હુકમ મુજબ પારડી ગામથી ઢોલરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ ખોડિયાર ધાર ખાતે આ દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન કરાયું હતું ઈન્ચાર્જ મદદનીશ એએસપી ડો. નવિન ચક્રવર્તી અને શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. બી. રાણા સહિતના અધિકારીઓની હાજરીમાં જુદી-જુદી બ્રાન્ડની કુલ 38,74,457 કિંમતની 8,923 વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.



