રાજકોટ સેશન્સ કોર્ટનો મહત્ત્વપૂર્ણ હુકમ
17 આરોપી સામે નોંધાયો હતો ગુજસીટોકનો ગુનો, ચાર્જશીટ બાદ અન્ય આરોપીઓની જામીન અરજી થઈ હતી નામંજૂર
- Advertisement -
રાજકોટ શહેરમાં ગુનાખોરીના અનેક બનાવો અને ગેંગવોરને લઈને ચર્ચામાં આવેલી પેંડા ગેંગના ગુજસીટોક કેસમાં આરોપી ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણાને રાજકોટની સેશન્સ અદાલતે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ નોંધાયેલા આ કેસમાં અગાઉ અનેક આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે ત્યારે એક આરોપીને જામીન મળતાં આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં માથાભારે શખ્સો, હિસ્ટ્રીશીટરો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત પેંડા ગેંગ વિરુદ્ધ તા. 9 નવેમ્બર, 2025ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મનોજકુમાર લાલસિંહભાઈ ડામોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં ગેંગના લીડર સહિત કુલ 17 શખ્સોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જેમાં રાજપાલસિંહ જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, પરિક્ષિત ઉર્ફે પરીયો બળદા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, અમરદીપસિંહ ઝાલા, પરિમલ ઉર્ફે પરિયો સોલંકી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જયવીક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા, દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ ગોહેલ, રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટીકીટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટીકીટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો જાડેજા, મિલન ગોંડલીયા અને સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાનો સમાવેશ થતો હતો. ફરિયાદ નોંધાયા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરક્ષાના કારણોસર આરોપીઓને અલગ અલગ જેલોમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદમાં આરોપીઓએ સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ રચીને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધાકધમકી અને દબાણ દ્વારા મોટી મિલકતો પચાવી પાડવી, ખંડણી ઉઘરાવવી, ખુની હુમલાઓ કરાવવા, ફાયરિંગ કરવું, લોકોને ધમકાવવા, શરીર સંબંધી ગુનાઓ આચરવા ઉપરાંત લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મોટી રકમ મેળવવા અને એકબીજાને મદદરૂપ થઈ સંગઠિત રીતે ગુનાઓ આચરવામાં આવતા હોવાની બાબતો પણ ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી. રાજકોટમાં અગાઉ સામસામે ફાયરિંગની ઘટનાઓ સહિતના બનાવોને કારણે ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા શહેરના ગુનાખોરીના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી.
- Advertisement -
આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ નામદાર અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક આરોપીઓ તરફથી રાજકોટની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજીઓ કરવામાં આવી હતી. જોકે, ગુજસીટોક જેવા ગંભીર ગુનાની પ્રકૃતિ અને આરોપીઓ સામે અગાઉ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સેશન્સ અદાલતે અગાઉની અનેક જામીન અરજીઓ નામંજૂર કરી હતી. દરમિયાન પેંડા ગેંગના આરોપી ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા તરફથી રાજકોટની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે હાલના કેસમાં અરજદાર મુખ્ય ગેંગ લીડર નથી, પરંતુ તેની ભૂમિકા ગેંગના એક સભ્ય તરીકે દર્શાવવામાં આવી છે.
વધુમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આ કેસના અન્ય કેટલાક આરોપીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અરજદાર વિરુદ્ધ કુલ આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તે તમામ ગુનાઓમાં અરજદાર જામીન પર મુક્ત છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં પણ અરજદારને રેગ્યુલર જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બચાવ પક્ષની તમામ રજૂઆતો અને કેસની વિગતોને ધ્યાનમાં લીધા બાદ રાજકોટની નામદાર સેશન્સ અદાલતે આરોપી ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણાને શરતી રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી તરફથી રાજકોટના યુવા ધારાશાસ્ત્રીઓ ભગીરથસિંહ ડોડીયા, વિશ્વજીતસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મિલન એચ. જોષી, જયવિર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અકબરી, સહદેવસિંહ રાઠોડ, વિવેક ખુંટ, યુવરાજ સાકરીયા, કૌશલરાજસિંહ વાળા અને દિગ્પાલસિંહ જાડેજા રોકાયેલા હતા.



