રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ગોંડલ ચોકડી પાસે થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો : સોનાનો ઢાળિયો-રોકડ કબજે
- Advertisement -
રાજકોટની ગોંડલ રોડ ચોકડી પાસેથી રિક્ષામાં બેઠેલા જૂનાગઢનાં વૃધ્ધ દંપતીની નજર ચૂકવી થેલામાંથી રોકડ અને દાગીના મળી 17.40 લાખની મત્તાની ચોરી કરનાર તસ્કર રૈયાધારના અનીલ રામાભાઈ સોલંકીને ક્રાઈમ બ્રાંચે પકડી લીધો હતો અને તેની પાસેથી સોનાનો ઢાળીયો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વલ્લભનગરમાં રહેતા માલદેભાઈ રાવલીયા ઉ.70 પત્ની રેખાબેન સાથે વીસેક દિવસ પહેલાં પુત્રને મળવા માટે રાજકોટ પહોંચી એસટી બસમાંથી ગોંડલ ચોકડીએ ઉતર્યા હતાં. ત્યાંથી પુષ્કરધામ મેઈન રોડ પર પ્રદ્યુમન રોયલ હાઈટ્સમાં રહેતા પુત્રના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. ચાલકે રિક્ષા થોડે આગળથી એક પેસેન્જરને બેસાડયો હતો. તે એકદમ તેની બાજુમાં બેસી બેગ તેના થેલા ઉપર રાખી દીધી હતી જે દરમિયાન તેની નજર ચૂકવી થેલામાંથી રૂા.૧૫ હજાર રોકડા અને સોનાના દાગીના મળી કુલ 17.40 લાખની માલમત્તા ચોરી લીધા હતા આ અંગે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર અને સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ વી ડી રાવલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાગરભાઈ માવદીયા, યજુવેન્દ્રસિંહ જાડેજા અને તૌફિકભાઈ જુણાચને મળેલી બાતમી આધારે અનીલને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 17.25 લાખની કિંમતનો 161.120 ગ્રામનો સોનાનો ઢાળિયો અને 15 હજાર રોકડા મળી કુલ 17.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અનિલ અગાઉ ચોરીના ગુનામાં પ્ર.નગર પોલીસમાં પકડાઈ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.
રૈયા ચોકડી બ્રિજ નીચે બે ભાઈઓ પર છરીથી ખૂની હૂમલો : આરોપી સકંજામાં
રાજકોટની રૈયા ચોકડી બ્રિજ નીચે સવારે એક લુખ્ખાએ બે સગા ભાઈઓને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યા હતા યુનિવર્સીટી પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કયા કારણથી આરોપીએ છરીના ઘા ઝીંકયા તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. મૂળ મધ્યપ્રદેશના વિલામસિંહ બામીયા ઉ.43એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા બે દિવસથી પત્ની અને પુત્ર સાથે ઘટનાસ્થળે રહે છે. જયાં અગાઉથી તેનો ભાઈ કનૈયા ઉર્ફે કાનો રહે છે. ગઈકાલે સાંજે પત્ની અને પુત્ર સાથે કામની તલાશમાં સરધાર ગયો હતો. જયાંથી રાત્રે પરત આવી ગયો હતો. આજે સવારે રૈયા ચોકડી કે જયાં મજૂરો ભેગા થાય છે ત્યાં ઉભો હતો તે વખતે તેના ભાઈ કનૈયા સાથે બ્રિજ નીચે જ રહેતાં આરોપી રાધેએ ગાળાગાળી અને ઝઘડો શરૂ કર્યો હતો જેથી તે વચ્ચે પડતાં રાધેએ તેના ભાઈ કનૈયાને છરીનો ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો. જે છરી તેણે પકડી લીધા બાદ રાધેએ તેને અને તેના ભાઈને પડખા અને કમરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી બંને ભાઈઓ લોહીલુહાણ થઈ ગયા હતા જેથી બંને ભાઈઓને 108માં સિવિલમાં લઈ જવાયા હતા. તેના ભાઈનું ઓપરેશન કરવું પડયું હતું યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ દોડી જઈ ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને સકંજામાં લઈ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાધે નામના આ જ શખ્સે એકાદ મહિના પૂર્વે પણ એક વૃદ્ધ પાસે પાર્કિંગના પૈસા માંગી ધોકાથી માર માર્યો હતો.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજીની ટીમનો દરોડો : મુંદ્રાથી સાયલા લવાયેલું 26.89 લાખનું 35,864 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી જપ્ત
સાયલાના ભાડુકાના પાટિયા પાસે આવેલા એક પંપના કમ્પાઉન્ડમાં રાજકોટ રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ.26.89 લાખની કિંમતનો 35,864 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપી લીધું છે. રાજકોટ રેન્જના પીએસઆઈ બી.સી. મિયાત્રા અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડોળિયા બાઉન્ડરીથી મુળી તરફ જતા રોડ પર ભાડુકા ગામના પાટિયા નજીક આવેલા ‘આદિત્ય એગ્રો એનર્જી પંપ’ના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ જથ્થો ઉતારવાની પેરવી ચાલી રહી છે. આ બાતમીના આધારે દરોડો પાડતા કમ્પાઉન્ડમાંથી ટેન્કર નં. GJ-13-AX-3645 મળી આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલક યુપીના શેખપુરના સુબોધકુમાર ગોકુલસિંહ સિસોદિયાની અટકાયત કરી બિલ અંગે તપાસ કરતા મોકલનાર અને સ્વીકારનાર બંને તરીકે ‘આદિત્ય એગ્રો એનર્જી’નું જ નામ દર્શાવાયેલું હોવાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. રેન્જ આઇજી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ જથ્થો મુંદ્રાથી ભરીને લવાયો હોવાનું અને લાભપાંચમથી શરૂ થનારા આ પંપ પર સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું છે. જોકે આ કંપની પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ વેચવાનું કોઇ લાઇસન્સ પણ ન હતું ટેન્કર ચાલકે રજૂ કરેલા બિલોમાં માલ મોકલનાર અને માલ સ્વીકારનાર તરીકે એક જ પેઢી ‘આદિત્ય એગ્રો એનર્જી’નું નામ લખેલું હતું. આ ઉપરાંત, આ પંપ આગામી લાભપાંચમથી શરૂ કરવાનો હતો. પંપ શરૂ થાય તે પહેલાં જ મુંદ્રાથી લવાયેલો આ જથ્થો બાયોડીઝલ છે કે અન્ય કોઈ ભેળસેળયુક્ત કેમિકલ, તેનો ખુલાસો હવે એફએસએલના પરીક્ષણ રિપોર્ટ બાદ જ થશે.
મેટોડામાં નોકરી કરતાં યુવકે ઇન્સ્ટાગ્રામ પર લિંક ખોલતાં જ ખાતામાંથી 1.28 લાખ ઉપડી ગયા
ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે આવેલી અજાણી iBazo એપ્લિકેશનની લિંક ખોલવી મેટોડા GIDCમાં નોકરી કરતા યુવકન યુવકને ભારે પડી હતી. લિંક પર ક્લિક કરતાં જ તેનો મોબાઇલ ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ ગયો હતો અને ફરી ચાલુ કરતાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. ત્યાર બાદ બે દિવસમાં યુવકના SBI બેન્ક ખાતામાંથી ચાર ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 1,28,675 ઉપડી ગયા હતા. ખાતામાં માત્ર રૂ.70 બેલેન્સ બચ્યું હતું. આ અંગે વડવાજડી ગામમાં સુખદેવ ગેટની અંદર રહેતા અને મેટોડા GIDCની પ્રિસાઇઝ ટેક્નોકાસ્ટ કંપનીમાં ક્વોલિટી કંટ્રોલર તરીકે નોકરી કરતા ઈન્દ્રજીતસિંહ વનરાજસિંહ ખેરડિયા ઉ.33એ અજાણ્યા શખસ વિરુદ્ધ મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 8 નવેમ્બરે રાત્રે સાડા આઠ વાગ્યે તેઓ ઘરે બેઠા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે iBazo નામની એપ્લિકેશનની લિંક જોવા મળી હતી. તેના પર ક્લિક કરતાં મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો. ફરી ચાલુ કરતાં એપ્લિકેશન ડાઉનલોડ થયેલી જોવા મળી હતી. તેને ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એપ્લિકેશન ડિલીટ થઈ નહોતી. શરૂઆતમાં ફોન-પેમાં બેન્ક ખાતું ચેક કરતાં કોઈ રકમ કપાઈ હોવાનું જણાયું નહોતું. જોકે, બીજા દિવસે રાજકોટના કાલાવડ રોડ પર ખરીદી કરવા ગયા ત્યારે સ્કેનરથી પેમેન્ટ કરતી વખતે ખાતામાં પૂરતા રૂપિયા ન હોવાનું સામે આવ્યું હતું. બેન્ક બેલેન્સ ચેક કરતાં ખાતામાંથી રૂ.1,28,675 ઉપડી ગયા હોવાનું અને માત્ર રૂ.70 બાકી હોવાનું જણાયું હતું. 9 નવેમ્બરે રૂ.47,886, રૂ.14,223 અને રૂ.20,883 તથા 10 નવેમ્બરે રૂ.46,683ના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ અંગે ફરિયાદીએ 1930 પર પણ જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મોબાઇલ ફોર્મેટ કરી નાખતાં તેનો તમામ ડેટા ડિલીટ થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આજી ડેમ ચોકડી પાસે ડમ્પરની ઠોકરે પ્રૌઢનું મોત
રાજકોટના આજીડેમ નજીક ભારત નગર સર્વિસ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે ગમારા પેટ્રોલ પંપ નજીક એક બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 50 વર્ષીય પ્રૌઢનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગત સવારે ભારતનગર સર્વિસ રોડ પર ગમારા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા આશરે 50 વર્ષીય ગગજીભાઈ ટપુભાઈ ખોડાણીના બાઇકને એક ડમ્પર ચાલકે અડફેટે લેતા ગગજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ 108નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તેમણે ઈજાગ્રસ્તને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. એમ. જાડેજા અને ટીમ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈસ્કોન હાઈટ્સના ફલેટમાં જુગાર રમતી 8 મહિલા ઝડપાઇ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે તાલુકા પોલિસ મથકના પીઆઇ મેઘાણી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે સ્પિડવેલ ચોક નજીક આવેલા ઈસ્કોન હાઈટ્સ-સી વિંગ, ફલેટ નં.304માં ભાડે રહેતા જોશનાબેન ચંદુભાઈ ઘેટિયાના ફલેટમાં જુગારધામ ચાલી રહ્યું છે આ બાતમી આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હર્ષાબેન સુરેશભાઈ માણસુરીયા, અનીશાબેન યુસુફખાન પઠાણ, ડિમ્પલબેન જસ્મીનભાઈ કિકાણી, ભારતીબેન ભીમજીભાઈ બાંભણીયા, નયનાબેન રમેશભાઈ ગોહેલ, દીનાબેન શશિકાન્તભાઈ મારડિયા અને સરોજબેન સુરેશભાઈ રાવલને તાલુકા પોલીસે પકડી લઈ 22,550 હજાર રોકડા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હલેન્ડા વાડીમાં કામ કરતા વૃદ્ધ દંપતી ઉપર જીવતો વીજ વાયર પડતા મોત : પુત્ર અને પુત્રવધુની નજર સામે બનેલી ઘટના
રાજકોટ તાલુકાના આટકોટ રોડ ઉપર આવેલા હલેન્ડા ગામે આજે સવારે અત્યંત કરૂણ ઘટના બની હતી વાડીમાં નિત્યક્રમ મુજબ ખેતી કામ કરતા કોળી દંપતિ ઉપર વાડીમાંથી પસાર થતો જીવતો વીજ વાયર પડતા પુત્ર અને પુત્રવધુની નજર સામે જ દંપતીનું કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે પુત્ર અને પુત્રવધુ બચાવવા દોડતા તેમને સામાન્ય ઈજા થઈ હતી. આ બનાવ અંઞે પ્રાપ્ત વિગત મુજબ હલેન્ડા-ઉમરાળી રોડ ઉપર આવેલી વાડીએ ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા ઉ.65 અને તેમના પત્ની કાંતાબેન ઉ.62 નિત્યક્રમ મુજબ કામે ગયા હતા અને વાડીમાં કામ કરતા હતા આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વીજ વાયર ઉપરથી અચાનક તૂટીને પડ્યો હતો. વાયર માથે પડતા બંને પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા અને મરણ ચીસ સંભળાતા થોડે દુર કામ કરતા તેમના પુત્ર હસમુખભાઇ અને પત્ની દયાબેન દોડી આવ્યા હતા તેઓ બચાવવાની કોશિષ કરે એ પહેલા તેમની નજર સામે જ માતા-પિતાનુ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતુ જો કે તેમણે બચાવવાના પ્રયાસો કર્યા હોય બંન્નેને સામાન્ય ઈજા પણ થઈ છે ઘટનાની જાણ થતા જ તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિત મોટી સંખ્યામા ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એક સાથે પતિ-પત્નીના મોતથી હલેન્ડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મરણ જનારને સંતાનમાં ચાર પુત્રો અને ચાર પુત્રી છે આ બનાવની જાણ થતા સંલગ્ન અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા અને આઞળની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ બનાવને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વીજતંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હલેન્ડા આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી વીજવાયરો જર્જરિત હાલતમાં છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયસર આ રીપેરીંગ કામગીરી થઇ ગઈ હોત તો કદાચ આ બનાવ બન્યો ન હોત.
કુવાડવા પાસે બંધ પડેલા ગેસ ટેન્કર પાછળ કાર ઘુસી જતા ચાર બહેનોના એકના એક ભાઈનું મોત : કેશોદ પંથકના ગાયક કલાકાર એવા આધારસ્તંભ યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક ત્રણેક વાગ્યે રસ્તા વચ્ચે બંધ ઉભેલા ગેસના ટેન્કર પાછળ કાર ઘુસી જતાં કારચાલક કેશોદના ગાયક કલાકાર યુવાનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ટેન્કર પાછળ ફસાઇ ગયેલી કારને પોલીસે મહામહેનતે બહાર કાઢી હતી. સિંગર યુવાન અમદાવાદ કાર્યક્રમના કામ માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કરૂણતા એ છે કે તે ચાર બહેનનો એક જ ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રીના ત્રણેક વાગ્યે કુવાડવા નજીક ભગીરથ પેટ્રોલ પંપ સામે ગેસનું એક ટેન્કર ટેકનીકલ કારણોસર બંધ પડી જતાં રોડની વચ્ચોવચ્ચ અટકી ગયુ હતું. આ દરમિયાન તેની પાછળ ધડાકાભેર એક કાર અથડાઇ ગઇ હતી ટક્કર એવી ભયાનક હતી કે ગેસના ટેન્કર પાછળ કાર બૂકડો થઇ ફસાઇ ગઇ હતી. આ બનાવને પગલે બીજા વાહન ચાલકો ઉભા રહી ગયા હતાં કોઇએ પોલીસ અને 108ને જાણ કરી હતી કાર ચાલકનું ગળુ કપાઇ ગયું હોઇ ઘટના સ્થળે જ મોત થયાનું 108ના ઇએમટી તબીબ જુલાબેન ખોરાણીએ જણાવ્યું હતું. આ દરમિયાન ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના વૈભવભાઇ ડી. મકવાણા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી કાર ટેન્કર પાછળ ફસાઇ જતાં મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી તેની પાસેના મોબાઇલ નંબરોને આધારે તેની ઓળખ થઇ હતી કેશોદના ગંગનાથપરામાં રહેતો સિંગર કિશનભાઇ રતનજીભાઇ સોલંકી ઉ.23 હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતકના સગા સ્વજનોને જાણ કરતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. મૃત્યુ પામનાર કિશનભાઇ સોલંકી ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને તે મૈત્રી કરારથી રહેતો હતો. સગાના કહેવા મુજબ કિશનભાઇ સિગર હતો. તે ગુજરાતી ડાયરા સહિતના કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. અમદાવાદ પણ કોઇ કાર્યક્રમમાં હાજરી આપવા જવા કેશોદથી નીકળ્યો હતો અને વહેલી પરોઢે બંધ ઉભેલા ટેન્કર પાછળ તેની કાર અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ઇન્સ્ટાગ્રામ આઇડમાં કિશનભાઇ ૨૨૧-કે ફોલોઅર્સ ધરાવતો હતો આ બનાવથી પરિવારમાં અને મિત્રવર્તુળોમાં શોક છવાઇ ગયો છે.
ગોંડલ પંથકમાંથી 13 વર્ષીય સગીરાનું અપહરણ કરી મોરબી લઇ જઈ દુષ્કર્મ : નજીકની વાડીમાં જ રહેતા કૌટુંબિક ભાઈએ આચરેલું કૃત્ય
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં રહેતી 13 વર્ષની સગીરાનું અપહરણ કરી મોરબી પંથકમાં લઇ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે સગીરાનો દેહ અભડાવનાર અન્ય કોઈ નહિ પરંતુ વાડી નજીક જ રહેતો તેનો કૌટુંબિક ભાઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની મળતી વિગતો અનુસાર ભોગ બનનાર 13 વર્ષની દીકરીનો પરિવાર ગોંડલ પંથકના એક ગામની સીમમાં રહીને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમની વાડીની નજીક રહેતો તેનો કૌટુંબિક ભાઈ અવારનવાર સગીરા સામે અભદ્ર ઈશારા કરી પજવણી કરતો હતો દરમિયાન રાત્રે પરિવાર ઊંઘી ગયા બાદ સગીરાને જગાડી લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો એક રિક્ષામાં બેસાડીને ગોંડલથી સીધો મોરબી જિલ્લાના એક ગામડામાં લઈ ગયો હતો. ત્યાં આ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું સવારે પરિવારજનો જાગ્યા ત્યારે દીકરી જોવા ન મળતા પરિવારે આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓને ત્યાં શૉધખોળ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, નજીકમાં રહેતો કૌટુંબિક ભાઈ પણ ગાયબ છે આખરે દીકરી મળી આવતા તેણે આપવીતી પરિવાર સમક્ષ વર્ણવતા તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પરિવારજનની ફરિયાદ આધારે ગોંડલ તાલુકા પોલીસે કૌટુંબિક ભાઈ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ભોગ બનનાર દીકરીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે બીજી તરફ, ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.



