વાવેલા છોડને ઉપાડીને વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યા હતા, ત્યાં પોલીસ પહોંચી ગઈ
કેટલા સમયથી વાવતો હતો અને કોને સપ્લાય કરતો હતો તે જાણવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે રૂરલ એસઓજીની ટીમે વિછિયાના છાસીયા ગામની સીમમાં દરોડો પાડી 3.52 કરોડથી વધુની કિંમતનો 705 કિલો લીલો ગાંજો જપ્ત કરી ખેડૂતની ધરપકડ કરી છે આરોપીએ વાવેલો ગાંજો ઉપાડીને શેઢે સૂકવવા રાખ્યો હતો ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી મૂળ સુધી પહોંચવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થનું વાવેતર કરતા શખ્સો સામે અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે. ઝાલા અને તેમની ટીમ જસદણ તથા વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને બાતમી મળી હતી કે, છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે આ બાતમી આધારે એએસઆઈ પરબતભાઈ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોજભાઈ બ્લોચ, રૂપકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા, નૈમીષભાઈ મહેતા, કલ્પેશભાઈ કોઠીવાર, ચીરાગભાઈ કોઠીવાર, પીયુષભાઈ અઘેર સહિતની ટીમે છાસીયા ગામની ઝરડા સીમમાં રહેતા સવશી બચુ મીઠાપરાની માલિકીની વાડી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ પોતાના ખેતરમાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. ત્યાર બાદ આ છોડને ઉપાડીને વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યા હતા. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના છોડનો કુલ 705 કિલો 490 ગ્રામ વજનનો જથ્થો કબજે કર્યો હતો જેની બજાર કિંમત અંદાજે 3.52 કરોડ આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી 55 વર્ષીય આરોપી સવશી બચુ મીઠાપરાની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને અન્ય કોઈ શખ્સો આ નેટવર્કમાં સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
ખારચીયાની સીમમાં કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના છોડ ઝડપાયા : વિછિયા પોલીસે 7.22 લાખના 14.450 કિલો ગાંજા સાથે ખેડૂતની કરી ધરપકડ
રાજકોટ જિલ્લામાં એનડીપીએસના બે મોટા કેસ વિંછીયા પંથકમાં કરવામાં આવ્યા છે છાસિયા ગામની સીમમાં એસઓજીએ દરોડો પાડી 705 કિલો વજનના ગાંજાના છોડ કબ્જે કર્યા હતા. બીજી બાજુ વિંછીયા પોલીસે ખારચીયા ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના સાત છોડ ઝડપી લીધા છે પોલીસે 7.22 લાખની કિંમતનો 14.450 કિલો ગાંજો કબ્જે કરી ખેડૂતની ધરપકડ કરી હતી. વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની રાહબરીમાં ટીમને બાતમી મળી હતી કે ખારચીયા ગામની સીમમા પભાભાઈ પંચાળા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે જેથી ટિમ દોડી ગઈ હતી. જયાથી ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચેથી સાત ગાંજાના છોડ ઝડપાયા હતા. જેથી સ્થાનિક પોલીસે 14.450 કિલોગ્રામ વજનના 7,22,500ના ગાંજાના છોડ કબ્જે કરી ખેડૂત પભા મગન પંચાળાની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સે પાંચ મહિના પૂર્વે કપાસના વાવેતરની સાથે ચાસમાં ગાંજાનું વાવેતર કર્યાની કબૂલાત આપી હતી.



