પરસ્પર સંમતિથી બાંધેલા સંબંધો બળાત્કારની વ્યાખ્યામાં ન આવે તેવા કાયદાકીય સિદ્ધાંતોને આધારે સેશન્સ કોર્ટનો ચુકાદો; જનઔષધિ કેન્દ્ર ચલાવતા આરોપીની ફેબ્રુઆરીમાં થઈ હતી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં જેલહવાલે રહેલા આરોપી મિલન રામભાઈ પીઠીયાને રાજકોટ સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષની દલીલો અને નામદાર ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી અદાલતે ચાર્જશીટ પહેલા જ આરોપીને રાહત આપી છે. કેસની વિગત મુજબ, નાણાવટી ચોક વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘર નજીક આવેલ જનઔષધિ કેન્દ્રમાં દવા લેવા જતી હતી, જ્યાં કેન્દ્ર ચલાવતા આરોપી મિલન પીઠીયા સાથે તેની ઓળખાણ થઈ હતી. આરોપીએ ફેબ્રુઆરી 2024માં લગ્નનો પ્રસ્તાવ મૂકી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ એવી ખાતરી આપી હતી કે તેમને જ્ઞાતિનો કોઈ બાદ નડતો નથી અને તેમના ગામમાં પ્રેમલગ્નની છૂટ છે. ત્યારબાદ આરોપી યુવતીને કાલાવડ રોડ પર આવેલી હોટલ તેમજ લાઈટ હાઉસ પાસેના પોતાના ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, પાછળથી આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા યુવતીએ તેના વતન જૂનાગઢના નાગીચાણા ગામે તપાસ કરી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે આરોપી પહેલેથી જ પરણીત છે. છેતરાયા હોવાની જાણ થતા યુવતીએ ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 69 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાના અનુસંધાને પોલીસે 26 ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વતી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા બચાવ પક્ષના એડવોકેટ્સ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં પરસ્પર સંમતિથી સંબંધો બંધાયા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા કે જેમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે ’પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધો બળાત્કારની વ્યાખ્યામાં આવતા નથી’. અદાલતે પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પાસાઓને ધ્યાને લઈ આરોપી મિલન પીઠીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ અને તેમની ટીમ રોકાયેલી હતી.



