નવી પહેલ રાજકોટની 900 પ્રાથમિક સ્કૂલોમાં શનિવારે ‘નો સ્કૂલબેગ ડૅ’ અમલ શરૂ
વિનોબા ભાવે શાળા નંબર 93 ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ બાળકોના અભિપ્રાય લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં રાજ્ય સહિત રાજકોટની 900 પ્રાથમિક સ્કૂલોમાં શનિવારે નો સ્કૂલબેગ ડૅ અમલ શરૂ થઇ ગયો છે. હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
રાજકોટ શહેરમાં પણ આજે શનિવારે બાળકો શાળાએ બેગ લીધા વગર પહોંચ્યા હતાં અને બેગલેસ દિવસ સાથે સેટરડૅ જોયડૅ તરીકે ઉજવણી કરી હતી.
આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત પીએમ વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 ખાતે વિદ્યાર્થીઓએ શાળામાં યોગ, સંગીત, નૃત્ય, ડાન્સ અને ક્રાફટ જેવી એક્ટિવિટી કરી હતી. બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને જ્ઞાન સાથે ગમ્મ્ત પ્રાપ્ત કર્યું હતું.
વિદ્યાર્થીઓ પણ આ નિર્ણયથી અત્યંત ખુશ છે. તેમનું માનવું છે કે પાંચ દિવસ ભણતર અને એક દિવસ એક્ટિવિટીથી તેઓ સ્માર્ટ બનશે અને તેમનું જનરલ નોલેજ પણ વધશે. આ ઉપરાંત રાજકોટની વિનોબા ભાવે શાળા નંબર 93 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને વાઇસ ચેરમેન પ્રવીણ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા અને બેગલેસ દિવસથી બાળકો ખુશ છે કે કેમ તે જાણવા પ્રયાસ કર્યો હતો. આગામી દિવસોમાં હજુ સારી પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તે માટે વિચારણા કરી આયોજન કરવામાં આવશે.
- Advertisement -
’આનંદદાયી શનિવાર’ અંતર્ગત શાળાઓમાં બાલસભા, સ્પર્ધાઓ, કસરત, ગણિત, ગાર્ડન, વેસ્ટમાંથી બેસ્ટ, પ્રાણાયામ, લાઇબ્રેરી પ્રવૃત્તિઓ, પેરેન્ટ-ટીચર મીટિંગ, બાલ ફિલ્મ દર્શન, કુકિંગ સહિત 40થી વધુ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. આ પ્રવૃત્તિઓમાં માસ ડ્રિલ, નાભિ ઝટકો, ડાન્સ, રિલેશનશિપ બિલ્ડ અપ, લીડરશિપ સેલિબ્રેશન, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઇલ સ્પર્ધા, ગ્રીન ડૅ, હેલ્થ એન્ડ ન્યુટ્રિશિયન એક્ટિવિટી, પર્સનલ સ્કિલ એક્ટિવિટી, શોખની રજૂઆત, પુસ્તક પઠન, યોગ, પ્રાણાયામ અને આસન, છાપકામ, ગીત અને વાર્તા, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ, ધ્યાનના પ્રયોગ, ગણિતની પહેલીઓ, શ્લોક ગાન, ક્લાસરૂમ મિનિટ ગેમ્સ, કોમ્પ્યુટર, ફાર્મ હાઉસ વિઝિટ, કસરત, કળા સંગીત કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, કુકિંગ એક્ટિવિટી, અંતાક્ષરી વગેરેનો સમાવેશ થાય છે.