સાસણ ગીર પછી હવે પોરબંદરના બરડા પંથકમાં પણ થશે સિંહદર્શન
દિવાળી પહેલાં મળી જંગલ સફારીની ભેટ
- Advertisement -
બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધનતેરસના પાવન દિને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન ‘એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ’ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી ફેઝ-1નો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા વગેરેના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, જંગલ સફારીરૂપે બરડા વિસ્તારને દિવાળી ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. 143 વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશિયાઈ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે જે સૌ માટે ગૌરવની ક્ષણ છે. હાલ દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે, ત્યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમાં પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઈ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ, પોરબંદર પક્ષી અભયારણ્ય, માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે.
- Advertisement -
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્તારમાં બનાવેલા ચેકડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. બરડોએ માત્ર વન્યજીવો નિવાસ નહિ, પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્ય બન્યું છે. બરડા સહિતના વિસ્તારમાં માલધારીઓ બહોળી સંખ્યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામાં વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે વન તથા વન્યજીવો સંરક્ષણ માટે આપણે સૌ સાથે મળી સહકાર આપીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.