ટૂંક સમયમાં શરૂ થશે નવો સોફ્ટવેર, વોર્ડવાઈઝ બેઠકો અને બેનરો દ્વારા અપાશે માર્ગદર્શન
રાજકોટ શહેરના નાગરિકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને ગુજરાત ગેસ કંપની વચ્ચે મહત્વનું સંકલન સાધવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે નવા ગેસ કનેક્શન માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં, પરંતુ ઘરે બેઠા આંગળીના ટેરવે મનપાની વેબસાઈટ પરથી જ ઓનલાઈન અરજી કરી શકાશે.મહાનગરપાલિકા દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ rmc.gov.in ને અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બંને સંસ્થાઓની વેબસાઈટને જોડતો સોફ્ટવેર ટૂંક સમયમાં કાર્યરત થશે. સત્તાવાર જાહેરાત બાદ વેરા ભરવા સહિતની સેવાઓ માટે મનપાની વેબસાઈટનો ઉપયોગ કરતા નાગરિકોને ત્યાં જ ગુજરાત ગેસ કંપનીની સીધી લિંક ઉપલબ્ધ થશે. અરજદારો આ લિંક પર ક્લિક કરી નવી નોંધણીનું ફોર્મ ભરી શકશે અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકશે. આ વ્યવસ્થાથી નાગરિકોના સમય અને શ્રમની બચત થવા ઉપરાંત અરજીની સ્થિતિ (સ્ટેટસ) જાણવાની પ્રક્રિયા પણ વધુ પારદર્શક બનશે.નાગરિકોને ઘરઆંગણે જ પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ વોર્ડ ઓફિસરો સાથે મળીને વોર્ડવાઈઝ બેઠકો યોજવાનું આયોજન કરાયું છે, તેમજ દરેક વોર્ડમાં માહિતીસભર બેનરો પણ લગાવવામાં આવશે.આ ઉપરાંત, અગાઉ કનેક્શનની અરજી બાદ ખોદકામની મંજૂરી સહિતની વહીવટી પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. હવે બંને તંત્ર વચ્ચે સીધું સંકલન હોવાથી આ કામગીરી સરળ બનશે. ગેસ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરોની સંખ્યામાં પણ વધારો કરાયો છે અને પાઇપલાઇન બિછાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મનપા પાસે મોડી રાત સુધી ખોદાણ કરવાની મંજૂરી માંગવામાં આવી છે, જેથી શહેરના હજારો પરિવારોને વહેલી તકે ગેસ કનેક્શનનો લાભ મળી શકશે.




