યુટ્યુબ પર ભારતીય પોડકાસ્ટરનો ડંકો!
ઇન્દોરના રાજ શમાનીના ‘ફિગરિંગ આઉટ’ પોડકાસ્ટે રચ્યો વૈશ્વિક રેકોર્ડ
- Advertisement -
બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન, ઇમેન્યુઅલ મેક્રોં અને આમિર ખાન સહિતની દિગ્ગજ હસ્તીઓ આપી ચૂકી છે મુલાકાત
ડિજિટલ મીડિયાની દુનિયામાં ભારતીય પ્રતિભાએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરના યુવા ઉદ્યોગસાહસિક અને પોડકાસ્ટર રાજ શમાની (Raj Shamani)એ યુટ્યુબ પર નવો ઇતિહાસ રચ્યો છે. તેમના લોકપ્રિય પોડકાસ્ટ શો ‘ફિગરિંગ આઉટ વિથ રાજ શમાની’ના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2.2 કરોડને પાર થતાં તેઓ વિશ્વના સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા પોડકાસ્ટર બન્યા છે. આ સિદ્ધિ સાથે તેમણે વિશ્વના જાણીતા પોડકાસ્ટર જો રૂગન અને સ્ટીવન બાર્ટલેટને પણ પાછળ છોડી દીધા છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ શમાનીના પોડકાસ્ટે યુટ્યુબ પર 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કર્યો છે. જ્યારે સ્ટીવન બાર્ટલેટના ‘ધ ડાયરી ઓફ અ સીઇઓ’ના 2.19 કરોડ અને જો રૂગનના ‘ધ જો રૂગન એક્સપિરિયન્સ’ના 2.12 કરોડ સબસ્ક્રાઇબર્સ છે. આ સાથે રાજ શમાનીનો શો વૈશ્વિક સ્તરે સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતો પોડકાસ્ટ બન્યો છે. રાજ શમાનીના પોડકાસ્ટની સફળતા પાછળનું એક મોટું કારણ તેમાં સામેલ થતી વિશ્વવિખ્યાત હસ્તીઓ અને તેમની સાથે થતી રસપ્રદ વાતચીત છે. અત્યાર સુધી તેમના શોમાં ઓપનએઆઈના સીઇઓ સેમ ઓલ્ટમેન, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, ઉદ્યોગપતિ વિજય માલ્યા, ઝોમેટોના દીપેન્દ્ર ગોયલ, ફાલ્ગુની નાયર, ઓયો ગ્રુપના રિતેશ અગ્રવાલ, અમન ગુપ્તા, નિખિલ કામથ અને કુણાલ શાહ જેવી જાણીતી હસ્તીઓ હાજરી આપી ચૂકી છે. આ ઉપરાંત મેલ રોબિન્સ, અનુપમ ખેર, ગીતા ગોપીનાથ, આમિર ખાન, કરણ જોહર, રવિ કિશન અને ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ સહિતની અનેક જાણીતી હસ્તીઓ સાથે પણ રાજ શમાનીએ સંવાદ કર્યો છે.
ઇન્દોરના એક નાના રૂમથી શરૂ થયેલી સફર આજે વિશ્વના પોડકાસ્ટિંગ જગતમાં ટોચના સ્થાન સુધી પહોંચી છે. રાજ શમાનીની આ સિદ્ધિ ભારતીય ડિજિટલ ક્રિએટર્સ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની છે.
2021માં નાના રૂમથી શરૂ કરી હતી સફર
ઇન્દોરના વતની રાજ શમાનીએ વર્ષ 2021માં ‘ફિગરિંગ આઉટ વિથ રાજ શમાની’ પોડકાસ્ટની શરૂઆત કરી હતી. ઉદ્યોગસાહસિકતા, વ્યક્તિગત વિકાસ, સફળતા, વ્યવસાય અને જીવનમાં આગળ વધવા માટે જરૂરી વિચારો જેવા વિષયો પર આધારિત આ શો ધીમે ધીમે યુવાનોમાં લોકપ્રિય બનતો ગયો. રાજ શમાની ફિગરિંગ આઉટ મીડિયાના સ્થાપક પણ છે. ભારતમાં રણવીર અલાહાબાદિયાનો ‘ધ રણવીર શો’, ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનો ‘WTF ઇઝ વિથ નિખિલ કામથ’ અને પ્રખર ગુપ્તાનો ‘ધ પ્રખર ગુપ્તા એક્સપિરિયન્સ’ જેવા લોકપ્રિય પોડકાસ્ટ વચ્ચે રાજ શમાનીએ પોતાની અલગ ઓળખ ઊભી કરી અને હવે વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવ્યું છે.
- Advertisement -
‘મારો ઉદ્દેશ્ય દુનિયાના શ્રેષ્ઠ વિચારો દરેક સુધી પહોંચાડવાનો છે’:રાજ શમાની
આ ઐતિહાસિક સફળતા અંગે રાજ શમાનીએ પોતાની સફરને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ઇન્દોરના એક નાના રૂમમાંથી ‘ફિગરિંગ આઉટ’ની શરૂઆત કરી હતી, ત્યારે તેમનો એક જ ઉદ્દેશ્ય હતો કે દુનિયાના અસાધારણ લોકો કેવી રીતે વિચારે છે, તેમની પાસે એવું શું જ્ઞાન છે જે સામાન્ય લોકો સુધી પહોંચતું નથી અને તેમની સફળતા પાછળનું રહસ્ય શું છે તે સમજવું. વ્યક્તિ ક્યાં જન્મે છે, કયા પરિવારમાંથી આવે છે કે કયા શહેરમાં રહે છે તેના આધારે તેને જ્ઞાન મેળવવાની તક મર્યાદિત ન થવી જોઈએ. વિશ્વના શ્રેષ્ઠ લોકો પાસેથી શીખવા માટે કોઈ ખાસ પરિવાર કે મોટા શહેરમાં જન્મ લેવો જરૂરી ન હોવો જોઈએ. 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સનો આંકડો મોટી સિદ્ધિ છે, પરંતુ તેનાથી પણ વધુ ખુશીની વાત એ છે કે વિશ્વભરના લાખો લોકોમાં કંઈક નવું શીખવાની અને જીવનમાં આગળ વધવાની સમાન જિજ્ઞાસા છે. ભવિષ્યનો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘ફિગરિંગ આઉટ’ને એક વૈશ્વિક મીડિયા સંસ્થા બનાવવાનું તેમનું સપનું છે, જેના માધ્યમથી દુનિયાના શ્રેષ્ઠ વિચારો, અનુભવો અને જ્ઞાન દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે.



