મહાનુભાવો અને નાગરિકોએ પરંપરાગત ડાંગી નૃત્ય અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
શબરી બૂથ અને જોહાર કાફે જેવી પહેલથી આદિવાસી બહેનો બની રહી છે આત્મનિર્ભર: ડો. દર્શિતાબેન શાહ
- Advertisement -
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્કર્સ રિક્રિએશન ક્લબ ખાતે જિલ્લાકક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૩૧ લાખથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની ટૂંકી વયે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોની શોષણકારી નીતિઓ અને કુરિવાજો સામે ‘ઉલગુલન’ (મહાન ક્રાંતિ) છેડીને સમગ્ર દેશને શૌર્ય અને સ્વાભિમાનનો સંદેશો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧થી આ દિવસની ઉજવણી શરૂ થઈ છે અને સરકાર ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે એકલવ્ય સ્કૂલ, પી.એમ. જનમન અભિયાન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ સખીમંડળની બહેનો માટે શબરી બૂથ અને જોહાર કાફે જેવી પહેલ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવી રહી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઓલિમ્પિયન તીરંદાજ અંકિતા ભક્તની સિદ્ધિઓને સમાજ માટે ગૌરવરૂપ ગણાવી હતી.કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી, જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ૦૫ લાભાર્થીઓને રૂ. ૧૬ લાખ, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૭૫ લાભાર્થીઓને રૂ. ૦૯ લાખ, સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ૩૩ લાભાર્થીઓને રૂ. ૪.૯૫ લાખ, પ્રોત્સાહક ઈનામ તરીકે ૦૮ લાભાર્થીઓને રૂ. ૧.૦૨ લાખની સહાય તેમજ સરસ્વતી સાધના યોજના હેઠળ લાભાર્થીને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.આ સમારોહમાં કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્ય રજૂ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની સિદ્ધિઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર અજયભાઈ આચાર્યે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે ઇન્ચાર્જ ડીડીઓ આર. એન. કુચારા, નાયબ ડીડીઓ બ્રિજેશભાઈ સોજીત્રા, પ્રાંત અધિકારી ભરતભાઈ ચાવડા, ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર અંકુરભાઈ ઢોલ, મામલતદાર નિતેશભાઈ પંડ્યા અને કીર્તિભાઈ મકવાણા સહિતના અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




