મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર મળી કુલ 14 કર્મચારીઓની એકસાથે બદલીના આદેશ જારી
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ઉતર્યા છે, પરંતુ રજા પર જતા પૂર્વે તેમણે મનપાના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 6 વોર્ડ ઓફિસર તેમજ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર મળી કુલ 14 કર્મચારીઓની એકસાથે બદલીના આદેશ જારી કર્યા છે. અચાનક થયેલી આ સામૂહિક બદલીઓથી મહાનગરપાલિકાની લોબીમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ખાસ કરીને વોર્ડ ઓફિસરોની નિમણૂકને લઈને શહેરના અમુક વોર્ડના કોર્પોરેટરોમાં અંદરખાને નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જોકે આ મુદ્દે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા હુકમ મુજબ 6 વોર્ડ ઓફિસરોની અરસપરસ બદલી કરવામાં આવી છે, જેમાં વોર્ડ નં. 2ના પરેશ ચાવડાને વોર્ડ નં. 7માં અને વોર્ડ નં. 7ના નિકુંજ ચૌહાણને વોર્ડ નં. 2માં મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે, વોર્ડ નં. 10ના નિલમબેન બેલીમની બદલી વોર્ડ નં. 12માં કરવામાં આવી છે, જ્યારે વોર્ડ નં. 12ના રાજેશ ચત્રભુજને વોર્ડ નં. 10માં નિમણૂક અપાઈ છે. આ ઉપરાંત વોર્ડ નં. 15ના નિશાબેન જાદવને વોર્ડ નં. 14માં અને વોર્ડ નં. 14ના નિકુંજ ડોબરીયાને વોર્ડ નં. 15માં બદલવામાં આવ્યા છે.વોર્ડ ઓફિસરોની સાથોસાથ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરના કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર કરાયો છે. આ આદેશ અંતર્ગત વોર્ડ નં. 12ના ધીરૂભાઈ પ્રજાપતિને વોર્ડ નં. 14 તથા 17 ડ્રેનેજની કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે વોર્ડ નં. 2ના કિરીટભાઈ પરમારને કે.એસ.ડી. ગાર્બેજ સ્ટેશન ખાતે અને વોર્ડ નં. 14 ડ્રેનેજના કિરણભાઈ ઉધરેજાને વોર્ડ નં. 2માં મુકવામાં આવ્યા છે. અન્ય બદલીઓમાં વોર્ડ નં. 7/અના સંજયભાઈ ચાવડાને વોર્ડ નં. 1માં, વોર્ડ નં. 1ના કિરીટસિંહ રાઠોડને વોર્ડ નં. 2-બમાં, વોર્ડ નં. 4 ડ્રેનેજના દિપકભાઈ ડાંગરને વોર્ડ નં. 5માં, વોર્ડ નં. 5ના કૌશિકભાઈ ડામોરને વોર્ડ નં. 4 ડ્રેનેજમાં અને વોર્ડ નં. 2-બના મયુરભાઈ રાઠોડને વોર્ડ નં. 17-બમાં બદલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, પોતાના વિસ્તારની જરૂરિયાત અને કામગીરીને ધ્યાનમાં રાખીને કેટલાક કોર્પોરેટરો દ્વારા અમુક ચોક્કસ અધિકારીઓના નામ સૂચવવામાં આવ્યા હતા. પરંતુ કોર્પોરેટરોની આ ભલામણોને અવગણીને અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવતા તેમજ અગાઉ ફરિયાદનો સામનો કરી ચૂકેલા અધિકારીઓને પોતાના વોર્ડમાં મુકાતા અમુક વિસ્તારના કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોતે જ 10 દિવસની રજા પર ઉતરી ગયા હોવાથી હાલ તુરંત આ બદલીઓમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહિવત છે.ઑ




