બિહારના બાહુબલી નેતા અનંતસિંહની દીકરી શિવાંગીનાં લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
12 વિઘામાં અશ્વદોડનું આયોજન; વિજેતાઓને થાર, બાઈક અને સ્કૂટીનું ઇનામ મળશે
- Advertisement -
20 નવેમ્બરે ફળદાન અને તિલકોત્સવ, 23 નવેમ્બરે હળદર, 24 નવેમ્બરે મહેંદી અને સંગીત તથા 25 નવેમ્બરે મુખ્ય લગ્નવિધિ યોજાશે
બાહુબલી અનંત સિંહની દીકરીનાં લગ્નમાં શાહી ઠાઠ! : રાજકીય અને ફિલ્મી દિગ્ગજોનો જમાવડો
બિહારના રાજકારણમાં બાહુબલી નેતા તરીકે જાણીતા મોકામાના ધારાસભ્ય અનંત સિંહની દીકરી શિવાંગીના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે અનંત સિંહ દ્વારા એવી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જાણે કોઈ રાજવી પરિવારનો શાહી લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો હોય! લગ્નમાં મહેમાનોની સંખ્યા, ભોજનની વિવિધતા, શણગાર અને ખાસ આકર્ષણો જોતા આ સમારોહ બિહારના સૌથી ચર્ચાસ્પદ લગ્નોમાં સ્થાન પામે તેવી શક્યતા છે. શિવાંગીના લગ્ન 25 નવેમ્બરના રોજ તેના પૈતૃક ગામ લદમામાં યોજાવાના છે. આ માટે ગામમાં મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનંત સિંહ પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર છોડવા માગતા નથી. લગ્નને ભવ્ય અને યાદગાર બનાવવા માટે દેશના અલગ-અલગ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ ખાસ કારીગરો અને સામગ્રી મંગાવવામાં આવી રહી છે. લગ્ન સમારોહ માટે 10 વિઘા જમીનમાં વિશાળ વોટરપ્રૂફ પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મઉથી આવેલા કારીગરો આ પંડાલનું નિર્માણ કરી રહ્યા છે. બીજી તરફ, જયમાલા કાર્યક્રમ માટે 30 ફૂટ ઊંચું ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેજને શણગારવા માટે ચીન અને બેંગલુરુથી ખાસ તાજા ફૂલો મંગાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
આ લગ્નનું સૌથી મોટું આકર્ષણ ભોજન સમારંભ રહેવાનું છે. અંદાજે ચાર લાખ મહેમાનો લગ્નમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે, જેમના માટે 150થી વધુ પ્રકારની વાનગીઓ તૈયાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં નાલંદાનું વિશ્વપ્રસિદ્ધ 52 પડવાળું સિલાવ ખાજા, કાજુ કતરી સહિત દેશનાં વિવિધ રાજ્યોની જાણીતી વાનગીઓ પીરસવામાં આવશે. મહેમાનોને સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર ભોજનનો શાહી અનુભવ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શિવાંગીના લગ્ન બિહટા (કૃષ્ણા નગર)ના રહેવાસી કમાન્ડેન્ટ રણવિજય કુમારના પુત્ર ઋષિકેશ કુમાર ઉર્ફે અંકિત સાથે થઈ રહ્યા છે. અંકિતે અમેરિકાની જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં કાર્યરત છે. લગ્ન પૂર્વે અનંત સિંહે પોતાના ભાવિ જમાઈને લક્ઝરી કાર લેન્ડ રોવર ભેટમાં આપી હોવાની પણ ચર્ચા છે. આમ, બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની દીકરીના લગ્ન માત્ર એક પારિવારિક પ્રસંગ નહીં, પરંતુ રાજકીય દિગ્ગજો, ફિલ્મી હસ્તીઓ, શાહી ભોજન અને ભવ્ય આયોજનના સંગમ સાથે બિહારનો એક યાદગાર સમારોહ બનવા જઈ રહ્યા છે.
અશ્વદોડ : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાના ઘોડેસવારો ભાગ લેશે
લગ્ન સમારોહમાં માત્ર ભોજન અને શણગાર જ નહીં, પરંતુ રમતગમતનું પણ ખાસ આકર્ષણ જોવા મળશે. 12 વિઘાના વિશાળ મેદાનમાં ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાના ઘોડેસવારો ભાગ લેશે. 25 નવેમ્બરના રોજ બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારને મહિન્દ્રા થાર, બીજા ક્રમે આવનારને મોટરસાઇકલ અને ત્રીજા ક્રમે રહેનારને સ્કૂટી ઇનામમાં આપવામાં આવશે. આમ, લગ્નોત્સવમાં અશ્વદોડ પણ મહેમાનો માટે ખાસ આકર્ષણ બનશે.
રાજકારણથી લઈને ફિલ્મી જગતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત
આ ભવ્ય લગ્ન સમારોહમાં રાજકીય અને ફિલ્મી જગતના અનેક જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સહિત પક્ષ-વિપક્ષના અનેક મોટા રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. ફિલ્મી જગતમાંથી ભોજપુરી કલાકારો પવન સિંહ, અક્ષરા સિંહ, આયશા ખાન સહિત અંદાજે ત્રણ ડઝન કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દુબઈથી છ મોડલ પણ સમારોહમાં ભાગ લેશે તેવી ચર્ચા છે.



