અમરેલી જિલ્લા યુવા ભાજપ-પ્રમુખ અને માછીમારો વચ્ચે જાફરાબાદ જેટી પર બબાલ
ચેતન શિયાળનો રિવોલ્વર સાથે વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો કરાતા ચકચાર મચી છે. ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. જાફરાબાદ જેટીમાં રસ્તા પર વાહનો આડાં રાખી દેવા બાબતે માછીમારો સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. આ મારામારીનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. આ વીડિયો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ચેતન શિયાળના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે સિવાય તમામ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર ફરિયાદી ચંદ્રકાંતભાઈ શિયાળ અને અન્ય સાહેદો માછીમારી કરી પરત આવી રહ્યા હતા. જેથી માછલી ખાલી કરવા ચંદ્રકાંતભાઈ અને અન્ય સાહેદો જેટી પર જઈ રહ્યા હતા. ત્યારે આ કામના આરોપી યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડું પડ્યું હતું. જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતભાઈએ કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચંદ્રકાંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જેથી ચંદ્રકાંતભાઈના પુત્ર ચેતનભાઈ શિયાળને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેને ઘટનાસ્થળે જોઈ આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તેના પર કુહાડીથી જીવલેણ હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી.
જાફરાબાદની ટી જેટી પર હુમલાના બનાવમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવના પગલે અમરેલી ભાજપના નેતાઓ રાત્રિના સમયે જ ભાવનગર હોસ્પિટલ પર દોડી ગયા હતા.
- Advertisement -
જાફરાબાદની ટી જેટી પર બનેલી આ ઘટના મામલે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંત શિયાળ દ્વારા યશવંત નારણભાઈ બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, બોટનો દિઢીયો (ટંડેલ), ટ્રેક્ટરનો ડ્રાઈવર, ’જયશ્રી તાત્કાલિક’ નામની બોટના ખલાસી સામે જીવલેણ હુમલો અને લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાફરાબાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાફરાબાદમાં ટી જેટી પર ચેતન શિયાળ પર હુમલાના બનાવ બાદ ચેતન શિયાળના હાથમાં રિવોલ્વર સાથેના વાઈરલ થયેલા વીડિયો બાબતે પોલીસે કહ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં પણ આવ્યો છે જેની તપાસ જાફરાબાદ પોલીસ કરી રહી છે.
રાજુલાના ધારાસભ્ય અને ચેતન શિયાળના સસરા હીરાભાઈ સોલંકી રાત્રિના સમયે જ ભાવનગર હોસ્પિટલ પર પહોંચ્યા હતા. હીરા સોલંકીએ કહ્યું હતું કે, જાફરાબાદ ખાતે ચેતન શિયાળ પર જીવલેણ હુમલો થયો છે. અત્યારે ભાવનગર લઈને આવ્યા છીએ. એસપી સાહેબ સાથે, જાફરાબાદ પીઆઈને આ બાબત ધ્યાન પર મૂકી છે. કાયદો કાયદાની રીતે કામ કરશે, તેના પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આવાં તત્ત્વોને સરકાર હંમેશાં ગંભીરતાથી લેતી હોય છે. અગાઉ પણ આવા હુમલા થયા છે તે પોલીસના ધ્યાન પરમ મૂક્યું છે. તેના પર કાયદેસર કાર્યવાહી થતી હશે તે સરકાર કરશે.