SMA Type 1ની અત્યંત દુર્લભ અને જીવલેણ બીમારીથી પીડાતા વેદાંશની ૯ કરોડની સારવારનો ખર્ચ ઉઠાવશે અનંત અંબાણી
લાલબાગચા રાજા પાસે ક્રાઉડફંડિંગનું પોસ્ટર જોઈ અનંત અંબાણીએ કાફલો રોકાવ્યો
- Advertisement -
ઈન્ફ્લુએન્સર મયુરેશની ટીમે ૨.૨૨ કરોડ એકત્ર કર્યા બાદ બાકીની તમામ રકમ ચૂકવવાની ખાતરી આપી
હરિયાણાના સિકંદરપુર ગામનો ૨૩ મહિનાનો માસૂમ વેદાંશ સિંહ ‘સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી’ (SMA Type 1) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ આનુવંશિક બીમારી સામે ઝઝૂમી રહ્યો છે, જેમાં શરીરના સ્નાયુઓ ધીમે-ધીમે નબળા પડી જાય છે અને શ્વાસ લેવામાં તથા હલનચલનમાં ભારે મુશ્કેલી ઊભી થાય છે. દિલ્હી AIIMSના તબીબોના જણાવ્યા મુજબ, બાળકની સ્થિતિ વધુ બગડે તે પહેલાં અને તે બે વર્ષનો થાય તે પૂર્વે આશરે ₹૯ કરોડના ખર્ચે થનારી જીન થેરાપી તથા સારવાર મળવી અનિવાર્ય છે.
પોતાના વહાલસોયા પુત્રના જીવન બચાવવા માટે પરિવાર લાચાર હતો, ત્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મયુરેશ ગુજર પોતાની પહેલ ‘Every Home Matters’ હેઠળ મદદે આવ્યા હતા. તેમણે અને તેમની ટીમે મુંબઈના જાહેર સ્થળોએ પોસ્ટર્સ લગાવીને તથા સોશિયલ મીડિયાના માધ્યમથી ૩૦ દિવસની સઘન ક્રાઉડફંડિંગ ઝુંબેશ ચલાવી આશરે ₹૨.૨૧ થી ₹૨.૨૨ કરોડ જેટલી રકમ એકત્ર કરી લીધી હતી.
- Advertisement -
આ દરમિયાન ૨૧ સપ્ટેમ્બરના રોજ મુંબઈના લાલબાગચા રાજા પાસે જ્યારે ટીમ આ સહાય અભિયાનના બેનરો લઈને ઊભી હતી, ત્યારે ત્યાંથી અનંત અંબાણીનો કાફલો પસાર થયો હતો. મયુરેશ ગુજરના દાવા મુજબ, અભિયાનના પોસ્ટરો જોઈ અનંત અંબાણીએ પોતાની કાર રોકાવી હતી અને લગભગ પાંચ મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરીને બાળકની ગંભીર સ્થિતિની વિગતો મેળવી હતી. સમગ્ર હકીકત જાણ્યા બાદ અનંત અંબાણીએ વેદાંશની ₹૯ કરોડની સારવારનો બાકીનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે તેવી ખાતરી આપી હતી અને બાળકને પોતાની હોસ્પિટલમાં લાવવા જણાવ્યું હતું.
આ અંગેનો એક વીડિયો મયુરેશ ગુજરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે આ સમાચાર સાંભળીને તેમની આખી ટીમ અત્યંત ભાવુક થઈ ગઈ હતી અને દિવસ-રાત કરેલી મહેનત સફળ થઈ હોય તેવું લાગ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ અનંત અંબાણીની ઉદારતા અને આ યુવા ટીમના અથાક પ્રયાસોની ભારે પ્રશંસા કરી છે. હવે ટીમ સારવારની પ્રક્રિયા શરૂ કરવા માટે આગળના પગલાં લઈ રહી છે.




