સરકારને 50 કરોડનો બોજ પરંતુ 1 લાખ વિદ્યાર્થીઓને આ નિર્ણયથી થશે લાભ
રાજ્ય સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓને સહાયરૂપ બનશે – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર
- Advertisement -
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપ પરમારે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. વિદ્યાર્થીઓને સહાયરૂપ બનાવા માટે મંત્રી પ્રદિપ પરમારે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, અનુ.જાતિના વિદ્યાર્થીઓને અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સરકાર ઉપર 50 કરોડનો બોજ વધશે પરંતુ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના વખાણ કરતાં મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતાં પ્રમાણમાં નાણાકીય જોગવાઈઓ કરી છે. ત્યારે આ વધારો વિદ્યાર્થીઓને સહાયરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
વધુમાં સરકારના આ નિર્ણયને કારણે સરકારી તિજોરી ઉપર 50 કરોડનો બોજો વધશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલાં ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ હતી. જેને ધ્યાને લઈને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરવામાં આવશે તેવું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે કહ્યું છે. આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઈબીસી, માયનોરીટી વિદ્યાર્થીઓને મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.


