કાલે રાત્રે 9 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ગુંજશે પિતૃપ્રેમનો સાદ: પિતા અને સંતાનો જોડાઈ શકે તે હેતુથી કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે
પિતા-પુત્ર વચ્ચેના વિચારોના આદાન-પ્રદાન દ્વારા પેઢી વચ્ચેના અંતરને કેવી રીતે ઓછું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાપ દીકરો ભેટી પડે, આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા માંડે, વર્ષોના અબોલા તૂટી જાય અને લાગણીનો દરિયો ઘૂઘવવા માંડે તેવા દ્રશ્યો નિહાળવા હોય તો પહોંચી જજો આગામી તા. 9 ને શનિવારે પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમમાં. સાવનભાઈ વોરા અને મુંજાલભાઈ વોરાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા એક રસપ્રદ અને લાગણીસભર કાર્યક્રમ ‘પાપા મેરી જાન’નું આયોજન કરાયું છે.
આમ તો આ નિરંતર 7મો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ટીમ પાપા મેરી જાન દ્વારા 2024માં પ્રથમ કાર્યક્રમનો મળેલ ધીંગી સફળતાથી પ્રેરાઈને 2025માં 5 કાર્યક્રમો અપાયા, જે તમામ હીટ ગયા.
હવે આગામી તા. 9-5-2026 ને શનિવારે આવો જ એક વધુ કાર્યક્રમ પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે. રાત્રે 9 વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પ્રવેશ સૌને નિ:શુલ્ક છે પરંતુ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રજિસ્ટે્રશન પ્રથા અમલી બનાવવામાં આવી છે.
આમ તો અત્યાર સુધી દીકરીની લાગણી અને વહાલ વિશે ખૂબ ઘણી વાતો થઈ અને કાર્યક્રમો પણ ઘણા અપાયા હશે પરંતુ બાપ-દીકરા વચ્ચેની લાગણી વ્યક્ત કરતો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે. બાપ અને દીકરા વચ્ચેના સંબંધો એટલા ભારેખમ હોય છે કે તેમાં લાગણી ઝડપથી વ્યક્ત થતી નથી હોતી. ઈચ્છવા છતાં બાપ તેના દીકરાને ભેટવા અને દીકરો તેના બાપને ભેટવા લાંબો સમય લગાડી દેતો હોય છે ત્યારે આ અંતર ઘટાડવાનું કામ કરવા જઈ રહી છે ટીમ પાપા મેરી જાન.
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ ઉપર ‘પાપા મેરી જાન ઓફીસીયલ’ નામથી પેઈજ ખૂબ લોકપ્રિય થયું છે, જે ઓપન કરતાં જ તમારી નજર સામે સંખ્યાબંધ રીલ્સ આવી જશે.
જેમાં બાપ અને દીકરો વહાલથી ભેટતા નજરે પડશે. છલકાતી લાગણીથી ઘણી આંખો ભીની થતી જોવા મળશે. વર્ષોના અબોલા તૂટ્યા હોય અને બાપ-દીકરાનું મિલન થતું હોય તેવા દ્રશ્યો ભલભલાને ભાવવિભોર કરી જાય છે.
આ પૂર્વે છ કાર્યક્રમો આપી ચૂકેલા ટીમ પાપા મેરી જાનના કર્ણધાર એવા સાવનભાઈ વોરા આમ તો રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા નીતિનભાઈ લવચંદભાઈ વોરાને અપાર ચાહતા હતા, પરંતુ જ્યારે કોવિડના સમય દરમિયાન પિતાએ વિદાય લઈ લીધી ત્યારે એક પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આશયથી ‘પાપા મેરી જાન’ કાર્યક્રમ આપવાનું શરૂ કર્યું.



