ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
શ્રાવણ માસની શરૂઆત થયા બાદ વેપારીઓ દ્વારા પેટીસ તેમજ ફરાળી વસ્તુઓમાં ભેળસેળ કરાતી હોવાની ફરિયાદો અનેક વાર સામે આવે છે ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી કોડીનાર, ગીરગઢડા અને ઉનામાં આવેલ ડેરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી 121 કિલો માખણનો નકલી જથ્થો જપ્ત કરી ત્રણેય વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ જૂનાગઢ એસ.પી. નિલેશ જાંજડિયા અને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં જિલ્લામાં લોકોના આરોગ્ય અને ખાદ્યપદાર્થ સાથે ચેડા કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવા પોલીસ ટીમોને સુચના આપવામાં આવી હતી. આ બારામાં ગીર સોમનાથ એસઓજી દ્વારા શ્રાવણ માસ દરમિયાન કોડીનાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેળવા ગામે નવાપરા વિસ્તારમાં ડેરી ધરાવતા પુંજાભાઈ ભીખાભાઈ રાઠોડને ત્યાંથી 23 કિલો રૂા. 6.700નું ભેળશેળ યુક્ત માખણ મળી આવ્યું હતું.
- Advertisement -
ત્યાર બાદ ગીરગઢડાના ટાઉન વિસ્તારમાંથી મિથુન નવીનભાઈ જોબનપુત્રાને 88 કિલો માખણ રૂા. 23,700 સાથે ઝડપી પાડ્યા હતાં. ત્યાર બાદ ઉના વિસ્તારની પટેલ સોસાયટીમાં મનીષ નવીનભાઈ જોબનપુત્રાને 10 કિલો માખણ સાથે ઝડપી લેતા આમ કુલ 121 કિલો માખણનો જથ્થો જપ્ત કરી પૃથકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, શ્રાવણ માસમાં લોકો દ્વારા કરવામાં આવતા ઉપવાસના ખાદ્ય પદાર્થોમાં ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વધુ સ્થળો પર ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. નકલી માખણ સાથે દુકાનદાર ઝડપાતા પોલીસ કાર્યવાહી થતા ભેળસેળીયા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.