હરિયાણાના સોનીપતની વતની મધ્યમવર્ગીય પરિવારની દીકરી અનુકુમારી ભણવામાં ખૂબ હોશિયાર હતી. હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કરીને દિલ્હીની હિન્દૂ કોલેજમાં એડમિશન લીધું. સોનીપતથી દિલ્હી રોજ બસમાં અપડાઉન કરીને ફિઝિક્સ વિષય સાથે એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ખઇઅ કરવા માટે પુના ગઇ અને ત્યાંથી જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં નોકરી માટે એની પસંદગી થઈ.

ઈંઈઈંઈઈં પ્રુડેન્સિયલ મ્યુચ્યુઅલ ફંડમાં સારા પગારથી નોકરી મળી. થોડા સમયમાં લગ્ન થયા અને પોતાની ઘરગૃહસ્થીમાં પરોવાઈ ગઇ. ફૂલ જેવા એક દીકરાનો જન્મ થયો. નોકરી અને પરિવારમાં સમય પસાર થઈ રહ્યો હતો. અનુકુમારીને એવું લાગતું હતું કે હજુ એની ક્ષમતાઓનો એ પૂર્ણ પણે ઉપયોગ નથી કરી શકતી.

શાળા-કોલેજના અભ્યાસ દરમ્યાન શિક્ષકોએ યુપીએસસીની પરીક્ષા આપીને કલેકટર બનવાના સપના બતાવેલા, ત્યારે તો અનુએ પોતાના શિક્ષકોની વાતો પર બહુ ધ્યાન ન આપ્યું પણ હવે જ્યારે જીવનમાં ઠરીઠામ થઇ ત્યારે યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો. પરિવારમાં બધાને વાત કરી અને આ માટે બધા તરફથી સહકાર મળ્યો.

જૂન 2016માં ઊંચા પગારની નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. લોકો વાતો કરતા હતા કે બે વર્ષના દીકરાની મા દેશની અઘરામાં અઘરી પરીક્ષા આ ઉંમરે શું પાસ કરવાની ! પણ અનુકુમારી કોઈની વાતો સાંભળ્યા વગર પોતાના કામમાં લાગી ગઇ. દીકરો વિઆન જો સાથે હશે તો વાંચવામાં ધ્યાન નહીં લાગે એવું જણાતા દીકરાને પોતાના માતાને ત્યાં મૂકી આવી અને પોતે માસીબાને ત્યાં ગામડે વાંચવા માટે જતી રહી.
દીકરાથી દૂર રહીને એ ખૂબ દુ:ખી થઇ છે પણ દેશ માટે કંઈક કરવું હતું અને એ માટે થોડું તો બલિદાન આપવું જ પડે. જ્યારે દીકરાને મળે ત્યારે મા-દીકરો બંને ચોધાર આંસુએ રડે. યુપીએસસીની પ્રથમ પરીક્ષા વખતે તો બરોબર તૈયારી નહોતી થઇ શકી એટલે એ નાપાસ થઈ. સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની જાત મહેનતના ફળસ્વરૂપે બીજા પ્રયત્નમાં એ સફળ રહી. 4 વર્ષના દીકરાની માએ યુપીએસસીના પરિણામમાં ડંકો વગાડ્યો અને સમગ્ર ભારતમાં બીજો નંબર મેળવ્યો. પોતાની મહેનત, પરિવારનો સાથ અને ભગવાનની કૃપાથી કલેકટર બનવાનું સપનું બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં સાકાર થઈ ગયું.

આપણી પાસે તમામ સુવિધાઓ હોવા છતા, તમામ પ્રકારની અનુકૂળતાઓ હોવા છતા ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે આપણે આપણી જાતને આપણા ધ્યેય પ્રત્યે સમર્પિત કરી શકતા નથી.
તકલીફોથી ન ડરો. તે તમને તોડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે આવે છે.
-નોર્મેન વિન્સેન્ટ પીલ