• ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર

1863માં સુરતમાંથી દીનશા તાલિયારખાને સુરતમિત્ર નામનું પત્ર શરૂ કર્યું હતું. તેઓ જ તેના સૌપ્રથમ માલિક, તંત્રી અને પત્રકાર હતા. 1864માં સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર થઈ ગયું હતું. ગુજરાતમિત્ર શરૂ થયું ત્યારે તેનું નામ સુરતમિત્ર હતું. તેની શરૂઆત સુરતમાં 13 અથવા 15 સપ્ટેમ્બર, 1863ના રોજ દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પત્રકારે કરી હતી. સુરતમિત્રમાં તેના નામ મુજબ માત્ર સુરતના જ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. આ પત્રનું કાર્યક્ષેત્ર વિશાળ કરવાના હેતુસર 11 સપ્ટેમ્બર, 1864થી સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર કરવામાં આવ્યું હતું. ગુજરાતમિત્રમાં સુરત ઉપરાંત ઉત્તરગુજરાત, મુંબઈથી લઈ દેશ-વિદેશના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. શરૂશરૂમાં ગુજરાતમિત્ર દર રવિવારે પ્રગટ થતું સાપ્તાહિક પત્ર હતું. સુરતમિત્ર (1863)નું નામ ગુજરાતમિત્ર (1864) થઈ ગયા બાદ તેમાં ગુજરાત દર્પણ (1888) નામનું પત્ર ભળી જાય છે. હરિલાલ હર્ષદરાય ધ્રુવ અને જેકિસનદાસ લલ્લુભાઈએ 1 એપ્રિલ, 1888માં ગુજરાત દર્પણ નામનું સપ્તાહમાં બે વાર પ્રસિદ્ધ થતું પત્ર શરૂ કર્યું હતું જે શરૂ થયાનાં છ વર્ષ બાદ 19 ઓગષ્ટ, 1894ના રોજ ગુજરાતમિત્ર સાથે જોડાઈ ગયું હતું. સુરતમિત્રમાંથી ગુજરાતમિત્ર થવું, ગુજરાતમિત્રમાં ગુજરાત દર્પણનું વિલીનીકરણકરણ કરવું અને તેનું સાપ્તાહિકમાંથી દૈનિક બનવું, આ પત્રના 1863માં આરંભથી લઈ આજ સુધીની દોઢ સો વર્ષથી વધુની આખી યાત્રા સુરત તેમજ ગુજરાતી પત્રકારત્વને ગૌરવ અપાવનારી છે.

સુરતમિત્ર અને પછીથી નવા નામે ઓળખાતું ગુજરાતમિત્ર શરૂ કરનારા દીનશા તાલિયારખાન સુરતના મશહૂર અરદેશર કોટવાલના કુટુંબીજન હતા. એ સમયના અખબારોએ ન ફક્ત ગુજરાતમિત્ર પરંતુ તેના માલિક-તંત્રી દીનશા તાલિયારખાનની તટસ્થતા અને નીડરતાના ભરપૂર વખાણ કર્યા હતા. 1870માં દીનશા તાલિયારખાને નાદુરસ્ત તબિયતના કારણોસર ગુજરાતમિત્રના તંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું પણ હા, ગુજરાતમિત્ર સાથેનો તેમનો સંબંધ મરતેદમતક અકબંધ રહ્યો હતો. દીનશા તાલિયારખાન પાસેથી પંદર સજ્જનોની બનેલી એક કંપનીએ ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. ગુજરાતમિત્રના નવા તંત્રી કીકાભાઈ પ્રભુદાસ બન્યા હતા. કીકાભાઈના મિત્ર મંછારામે એ સમયે ગુજરાતમિત્રમાં ધકધકતી ભાષામાં લેખો લખી સુધરાઈના વેરા, મીઠાના વેરા, પરવાનાના વેરા વગેરે સામે ઝુંબેશ ઉપાડી હતી. અંગ્રેજ સરકારની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ ગુજરાતમિત્રમાં કરવામાં આવતો હતો. 1878માં સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા ત્યારે ગુજરાતમિત્રના લખાણોને તોફાનો થવા પાછળ જવાબદાર ગણતા અંગ્રેજ સરકારે ગુજરાતમિત્રના તંત્રી કીકાભાઈ અને લેખક મંછારામની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કેસ કર્યો હતો, જે સુરત રાયટ કેસ તરીકે જાણીતો થયો હતો. મુંબઈના વિખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોજશાહ મહેતાએ કીકાભાઈ અને મંછારામ વતી કેસ લડ્યો હતો. 29 સપ્ટેમ્બર, 1878માં ગુજરાતમિત્રના તંત્રી અને લેખકને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

બ્રિટીશ સરકાર પર કરેલી ટિકાટિપ્પણીઓ અંગ્રેજ પણ વાંચી શકે તે માટે ગુજરાતમિત્રમાં કેટલાંક સમાચારો અંગ્રેજીમાં છપાતા હતા. રજવાડાઓ વિશેની ખબરો નામજોગ ગુજરાતમિત્ર છાપતું હતું. 1872માં ગુજરાતમિત્રના ચારસો જેટલા ગ્રાહક હતા. વર્ષની શરૂઆતમાં ગુજરાતમિત્રનું લવાજમ ભરનારે 6 રૂપિયા તેમજ વર્ષાન્તે લવાજમ ભરનારે 10 રૂપિયા ચૂકવવાના રહેતા હતા. ગુજરાતમિત્ર શરૂ થયાના બેથી ત્રણ દસકમાં જાણીતું પત્ર બની ગયું હતું. સુરતના સર્વતોમુખી વિકાસમાં તે મહત્વનું યોગદાન ધરાવવા લાગ્યું હતું. મંછારામે ગુજરાતમિત્રનું આશરે ત્રેવીસ વર્ષ સંચાલન કરી તેને સ્થિર અને નિયમિત પ્રસિદ્ધ થતું પત્ર બનાવ્યું હતું. ગુજરાતમિત્રના માલિક 1893માં ફરી એકવાર બદલાઈ છે. કીકાભાઈ પાસેથી હોરમસજી ફરદૂનજી ડોક્ટરે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું, અને પછી તેમનું અવસાન થતા ગુજરાતમિત્રને તેના સેક્રેટરી હોરમસજી જમશેદજીએ 1894માં ખરીદી લીધું હતું. 1907માં તેમનું પણ અવસાન થતાં ફરી ગુજરાતમિત્રના સેક્રેટરી ચુનીલાલ શાહ અને શાવકશા હોરમસજી અસુખાંએ તેનું સંચાલન સંભાળ્યું હતું. આગળ જતા ગુજરાતમિત્રને રેશમવાળા પરિવારનો મજબૂત ટેકો મળ્યો, 1898માં ઉત્તમરામ ઉમેદરાય રેશમવાળા ગુજરાતમિત્રના ઉપતંત્રી તરીકે નિમાયા અને 1920માં તેમણે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. 1929માં ઉત્તમરામ રેશમવાળાનું અવસાન થયું અને તેમના મોટાપુત્ર ચંપકલાલ રેશમવાળા ગુજરાતમિત્રના તંત્રી બન્યા હતા.

ચંપકલાલને વાઘબારસના દિવસે ગુજરાતમિત્રને દૈનિક બનાવવાનો વિચાર આવ્યો, આ વિચારના મહજ ચાર દિવસ બાદ જ બેસતા વર્ષના દિવસે તેમણે ગુજરાતમિત્રનું સાપ્તાહિકમાંથી દૈનિકમાં રૂપાંતર કરી નાખ્યું. 19 નવેમ્બર 1936થી ગુજરાતમિત્ર દૈનિક તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું હતું. ગુજરાતમિત્ર દૈનિક બન્યાને એક વર્ષ પણ પૂરું થયું નહતું ત્યાં ચંપકલાલનું 1937માં અવસાન થતાં ગુજરાતમિત્રના તંત્રી અને માલિકી પદની જવાબદારી તેમના નાનાભાઈ પ્રવીણકાંત રેશમવાળા પર આવી ગઈ હતી. પ્રવીણકાંતની ઉંમર એ વખતે માત્ર વીસ વર્ષની જ હતી. પ્રવીણકાંત રેશમવાળાએ ગુજરાતમિત્રને ન માત્ર નિભાવ્યું જ પરંતુ વિકસાવ્યું પણ ખરું. ગુજરાતમિત્ર જ્યારથી સાપ્તાહિક હતું ત્યારથી તેની સાથે બટુકભાઈ દિક્ષિત જોડાયેલા હતા. બટુકભાઈ દિક્ષિતે પણ ગુજરાતમિત્રના વિકાસમાં પોતાના જીવનના પચાસ વર્ષ ન્યોછાવર કરી દીધા હતા. ઠાકોરભાઈ દેસાઈ, કંચનલાલ મામાવાળા, વલ્લભદાદ અક્કડ અને પ્રીતમલાલ મજુમદાર જેવા ભાષા અને સાહિત્યના જાણકાર પત્રકારોનો લાભ પણ ગુજરાતમિત્રને મળ્યો. 1983માં પ્રવીણકાંત રેશમવાળાનું અવસાન થયું, 46 વર્ષ સુધી તેઓ ગુજરાતમિત્રના તંત્રી રહ્યા હતા. આગળ જતા ભરત રેશમવાળા, ભગવતીકુમાર શર્મા વગેરે એકથી એક ચઢીયાતા તંત્રી, સહાયક તંત્રી અને પત્રકારનો સાથ ગુજરાતમિત્રને સાંપડતો ગયો. ગુજરાતી ભાષાના સાહિત્યકારોથી લઈ લેખકો પણ ગુજરાતમિત્રમાં જોડાતા ગયા. સુરતથી લઈ હરકોઈ શહેરના વાંચકોએ ગુજરાતમિત્રના પત્રકારત્વને વધાવ્યું અને વખાણ્યું. સ્થાપનાકાળથી લઈ વર્તમાનકાળ સુધીમાં આ પત્ર અને તેની સાથે સંકળાયેલા સૌકોઈ અનેક ઉતાર-ચઢાવ વચ્ચે પણ પ્રજાહિતમાં પત્રકારત્વનો ધર્મ ચૂક્યા નથી. અને એટલે જ દીનશા તાલિયારખાને સ્થાપેલા અને રેશમવાળા પરિવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર સુરતના હયાત પત્રોમાં સૌથી જૂનાં પત્ર તરીકે ટકી રહ્યું છે, ગુજરાતમિત્ર.

વધારો : 1862માં ખેડાવર્તમાન અને 1863માં ગુજરાતમિત્ર શરૂ થતાં ગુજરાતમાં ગુજરાતી પત્રકારત્વના મંડાણ થયા હતા. આ અગાઉ 1822માં મુંબઈમાંથી મુંબઈ સમાચાર શરૂ થઈ ચૂક્યું હતું પણ તળ ગુજરાતનું આજ સુધીનું સૌથી જૂનું પત્ર ગુજરાતમિત્ર કહી શકાય. 1871-72ના મુંબઈ ઈલાકાના સરકારી અહેવાલ અનુસાર એ વર્ષમાં ગુજરાતી પત્રોની સંખ્યા 26 હતી. આજે એ 26 પત્રોમાંથી હજુ પણ પ્રગટ થતા પત્રોમાં પ્રથમ નંબરે મુંબઈ સમાચાર બાદ બીજા નંબરે ગુજરાતમિત્ર આવે છે. દેશી રજવાડાઓમાં આવેલી પ્રજાની પીડાને પોકાર આપનાર સુરત કે ગુજરાત જ નહીં, સમગ્ર પશ્ચિમ ભારતનું પ્રથમ પત્ર ગુજરાતમિત્ર હતું. મીઠાવેરાનો દેશભરમાં પહેલોવહેલો વિરોધ કરનાર પત્ર પણ ગુજરાતમિત્ર જ હતું. દક્ષિણ ગુજરાતને અલગ યુનિવર્સિટી અપાવવાથી લઈ સુરત સુધરાઈનું મહાનગરપાલિકામાં પરિવર્તન કરાવવા સુધી અને સુરતના બંદર તથા ઉદ્યોગનો વિકાસ કરાવવાથી લઈ પત્રકારત્વની સંસ્થા શરૂ થાય તે માટેના પ્રથમ પ્રયાસ ગુજરાતમિત્ર દ્વારા કરવામાં આવ્યા છે.