પ્રમુખ પદે હંસાબેન પારેઘી, ઉપપ્રમુખ પદે હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી
આવતીકાલે તમામ નવા હોદેદારો પાર્ટીના મેન્ડેડ મુજબ ઉમેદવારીપત્ર ભરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગી કરવામાં આવી છે. ભાજપના મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવાર હંસાબેન પારેઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે બુધવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં જૂના હોદેદારોનું અઢી વર્ષનું શાશન પૂર્ણ થતા નવા હોદેદારોની નિમણુંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મવડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયાને અંતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હંસાબેન જેઠાભાઈ પારેઘી, ઉપપ્રમુખ પદ માટે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે. આવતીકાલે બુધવારે પાર્ટીના મેન્ડેડ મુજબ તમામ નવા હોદેદારો ઉમેદવારી પત્ર ભરશે અને સાથે જ આવતીકાલે યોજાનાર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ નવા હોદેદારોને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હંસાબેન પારેઘી અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા હોય અનુભવી નેતા છે જયારે હીરાભાઈ ટમારીયા આરોગ્ય સમિતિના ચેરમેન અને પ્રવીણભાઈ સોનાગ્રા શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે રહી ચુક્યા છે.