હજારો વર્ષ પહેલાં લખાયેલા સ્કંદપુરાણમાં કોઈ ઉલ્લેખ નથી…
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોથી શરૂ થયેલા વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સ્વામીઓના વીડિયો અને નિવેદનો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા હતા. આ વિવાદો વચ્ચે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા 250 વર્ષની જ છે. મૂળ ગ્રંથ સ્કંદપુરાણ છે, જે હજારો વર્ષો પહેલાં લખાયેલું છે. આ સ્કંદપુરાણમાં સ્વામિનારાયણનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ વિવાદ વધુ વકરતા સૂર્યોદય પહેલાં જ હનુમાનજીની મૂર્તિ નીચે દોરવામાં આવેલાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યાં છે. છેલ્લા દસેક દિવસથી સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિ નીચે દોરવામાં આવેલ ભીંતચિત્રોને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ ઉગ્ર બનતા અંતે સરકારે પણ મધ્યસ્થી થવાની જરૂર પડી હતી. આ બધા વચ્ચે સ્વામિનારાયમ સંપ્રદાયના કેટલાક સ્વામીઓના જુદાં જુદાં હિન્દુ સંસ્કૃતિની લાગણીને ઠેસ પહોંચે તેવાં વિવાદિત નિવેદનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં હતાં અને સામે આવ્યાં હતાં. જેને લઇ આખરે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ મૌન તોડી નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય 250 વર્ષનો છે અને આપણો મૂળ ગ્રંથ સ્કંદપુરાણ છે, જે હજારો વર્ષો પહેલાં લખાયેલો છે. આ સ્કંદપુરાણમાં સ્વામિનારાયણનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
- Advertisement -
‘સ્વામિનારાયણ સંપ્રદાય 250 વર્ષનો જ છે’: દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય
પાછળથી કોઈએ ઉમેરો કરી દીધો હોય તો અલગ વાત છે
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, મૂળ જે સ્કંદપુરાણ છે, તેની અંદર 88,000 જેટલા શ્ર્લોક લખાયેલા છે. આ મૂળ ગ્રંથ હજારો વર્ષ પહેલાં લખાયેલો છે. આ સ્કંદપુરાણમાં એવું જોવા નથી મળતું કે, કોઈ જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. જો કે, આ પછી પાછળથી કોઈએ બીજી રીતે નવા પુરાણ બતાવી જોડી દીધું હોય કે ઉમેરો કરી દીધો હોય તો એ અલગ વાત છે. પરંતુ મૂળ સ્કંદપુરાણમાં કોઈ જગ્યાએ સ્વામિનારાયણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રાચીન પ્રામાણિક પુસ્તકાલયમાં રહેલા સ્કંદનપુરાણમાં કોઈ જગ્યાએ સ્વામિનારાયણનો ઉલ્લેખ લખાયેલો જોવા નહિ મળે. અમારી પાસે તો મૂળ પુરાણ છે, જેમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
નારાયણ શબ્દનો ઉપયોગ શ્રીકૃષ્ણ માટે થયો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા 250 વર્ષની છે અને સ્કંદપુરાણ હજારો વર્ષ પહેલાં લખાયેલ છે. આની અંદર 18 પુરાણ છે, શાસ્ત્ર છે, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ સહિત તમામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સ્કંદપુરાણમાં જે જગ્યાએ નારાયણ શબ્દનો ઉપયોગ થયો છે એ ભગવાન કૃષ્ણ માટે છે. નારાયણ મતલબ સ્વામિનારાયણ નથી. કોઈ પણ વિદ્વાન આવી અને પુરાણ વાંચી શકે છે, કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ઉલ્લેખ જોવા નહિ મળે.