બેફામ દોડતા છકડો રીક્ષા સામે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ ભયજનક રીતે ઓવરલોડ બેફામ દોડતી છકડો રીક્ષા વિરુદ્ધ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. વાહન ચાલકો માટે રાજય સરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે અને ફેટલ અકસ્માતો પણ વારંવાર બને છે. તાજેતરમાં કુવાડવા રોડ ઉપર ભયજનક રીતે ઓવરલોડ લાકડા ભરેલી છકડો રીક્ષા દ્વારા એકટીવા ચાલકને હડફેટે લેતા રાજકોટ શહેરના એક આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા ફેટલવાળી જગ્યાની વિઝીટ લઈ અને તમામ ટ્રાફિક સ્ટાફને આવા ઓવરલોડ ભયજનક રીતે ચાલતા છકડો રીક્ષા વિરુદ્ધ એક્શન લેવા માટે સૂચના આપી હતી જે અનુસંધાને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
- Advertisement -
છકડો રીક્ષાથી બનતા અકસ્માતથી બચવા તથા આવા છકડો રીક્ષાનાં વાહનચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવે છે. આ યોજવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવમાં કુલ 106 છકડો રીક્ષા ડીટેઇન કરવામાં આવ્યા હતા. ડીટેઇન કરેલા વાહનો શીતલ પાર્ક ખાતે મૂકવામાં આવ્યા હતા. છકડો રીક્ષા વિરુદ્ધ આ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ વાહન ચાલકો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે તથા કોઈને પણ છોડવામાં આવશે નહીં. અભિયાનમાં એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી તથા પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ તથા પી.આઈ. વી.આર. રાઠોડ તથા પી.આઈ. એન.જી. વાધેલા તથા પી.એસ.આઈ. એન. કે. રાજપુરોહિત તથા અન્ય ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.