જ્યાં જૂઓ ત્યા.. શહેર આખામાં ખાડાખબડા અને કાદવ-કિચડનું સામ્રાજ્ય
વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ રસ્તાઓ ધોવાઈ જતા નીકળવું મુશ્કેલ નહીં, જીવલેણ બન્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા વરસાદને કારણે શહેર આખામાં ખાડાખબડા અને કાદવકિચડનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે. વરસાદને કારણે નવા અને જૂના રાજકોટના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ તેમાં ભુવા પડી ગયા છે અને કાચા રસ્તાઓ પર તો રીતસર કિચડ પથરાઈ ગયું છે. જાણે આ શહેરનું નામ રાજકોટ નહીં, ભુવાકોટ હોય તેવા દૃશ્યો જ્યાં જૂઓ ત્યાં જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં માત્ર વોંકળા અને સ્ટોર્મ વોટર લાઈનની સફાઈ કરીને જ સંતોષ માની લીધો છે. એવા વિસ્તારો કે જ્યાં કાચા માર્ગ છે અથવા તો રોડ તૂટી ગયા છે ત્યાં રોડ મરામત કરવાનું ભુલાઈ ગયું છે અને એટલે જ હવે શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડાઓવાળા તેમજ કિચડવાળા બનતા તેમના પરથી નીકળવું મુશ્કેલ જ નહીં પરંતુ જીવલેણ બન્યું છે.
ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં રાજકોટમાં પડેલા વરસાદથી શહેરના મહત્તમ માર્ગ ધોવાઈ જતાં ઠેકઠેકાણે ભુવા પડી ગયા છે અને બિસ્માર બનેલા આ માર્ગ ઉપર કિચડ પથરાઈ જતાં અવરજવર કરતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ સમગ્ર ઘટનામાં તંત્રની લૂલી કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે એટલું જ નહીં કહેવાતું સ્માર્ટ સિટી હાલ ભુવા-કિચડ સિટી બન્યું છે.
- Advertisement -
શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ પર ખાડાખબડા અને કાદવકિચડનું એવું તો સામ્રાજ્ય પથરાઈ ગયું છે કે, વાહનચાલકો તેમાં ન પડે તો જ નવાઈ કહેવાશે. પાકા રસ્તાઓમાં ગાબડાં પડી જવાના કારણે તે ઉબડખાબડ બન્યા છેતો કાચા રસ્તાઓ કિચડવાળા થવાને કારણે લપસણા બન્યા છે. વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ રાજકોટના રસ્તાઓની આ હાલત જોતા રસ્તા બનાવવામાં કેટલા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાતો હશે એ સવાલ પણ તંત્ર વિરુદ્ધ ઉઠી રહ્યો છે.