ગુજરાત રેરાનો રીપોર્ટ: 1 કરોડથી વધુની કિંમતના 8213 આવાસનું નિર્માણ
કોરોનાકાળ વખતથી તેજીમાં આવેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં લકઝરી આવાસ તથા વૈભવી લાઈફસ્ટાઈલ- સુવિધાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગુજરાતમાં 2022ના વર્ષમાં એક કરોડથી વધુની કિંમત ધરાવતા આવાસના નિર્માણમાં મોટો વધારો થયો છે. ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના રીપોર્ટ પ્રમાણે 2022માં નિર્માણ-વેચાણ માટે મુકાયેલા એક કરોડથી અધિકની કિંમતના ફલેટની સંખ્યા 8213 હતી તે 2021માં 4735 હતી. એક જ વર્ષમાં 73ટકાનો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં આલીશાન-વૈભવી આવાસનું નિર્માણ થયુ હતું. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોવિડકાળ બાદ મોટા મકાનની ડિમાંડ વૃદ્ધિને કારણે આ સ્થિતિ છે.
- Advertisement -
ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ શેખર પટેલના કહેવા પ્રમાણે જમીનના ભાવમાં વધારો તથા બાંધકામ સામગ્રી મોંઘી થવાથી મકાન-આવાસની કિંમતોમાં 20 ટકાનો ભાવવધારો થયો જ હતો. સાથો-સાથ જીવનધોરણ પણ ઉંચુ જવાથી વૈભવી આવાસની ડીમાંડ વધવા લાગી હતી. હોમલોનના વ્યવહારમાં વધારાની લકઝરી હોમક્ષેત્રે કોઈ અસર વર્તાઈ ન હતી. કોવિડકાળ બાદ લોકો અંતર રાખવા લાગ્યા હોવાની મોટા આવાસમાં ટ્રેન્ડ હતો. 3થી5 બેડરૂમના આવાસની પસંદગી થવા લાગી હતી. 2021માં 1 કરોડથી અધિકની કિંમતના 13275 આવાસોનું નિર્માણ થયું હતું.
2018થી 2020માં ત્રણ વર્ષની સંખ્યા માત્ર 10621ની જ હતી. વૈભવી લાઈફસ્ટાઈલના ટ્રેન્ડને કારણે સ્વીમીંગપુલ, કલબ હાઉસ, ચિલ્ડ્રનપાર્ક, વોકીંગ ટ્રેક, થિયેટર જેવી સુવિધાઓ સાથેના પ્રોજેકટ તરફ પણ ટ્રેન્ડ વધ્યો હતો. ગુજરેરાના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે 2022માં વૈભવી પ્રોજેકટની સંખ્યામાં 11.6 ટકાનો વધારો હતો જે આગલા વર્ષે 6.5 ટકાનો હતો.



