બાળકોના નિષ્ણાંત ડૉ. પ્રિતેશ પંડ્યા બેદરકારી અને કૌભાંડોમાં પણ સ્પેશિયાલિસ્ટ
ડૉ. પ્રિતેશ પંડ્યાનું મેડિકલ લાયસન્સ રદ્દ થવું જોઈએ
અનેક વખત કૌભાંડોમાં ફસાઈ ચૂકેલાં અને સારવારમાં જીવલેણ બેદરકારી દાખવી ચૂકેલા પ્રિતેશ પંડ્યા જેટલા વધુ દિવસ પ્રેક્ટિસ કરે તેટલું બાળકો પર જોખમ છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને સંબંધિત ઑથોરિટીએ તેમનું મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ તત્કાળ રદ કરવું જોઈએ, તેવું લોકલાગણી છે.
- Advertisement -
ફરિયાદી યોગેશ કોટકને લગ્નનાં 17 વર્ષ બાદ જોડિયા બાળકો થયા હતા: બેઉ બાળકોને કાચની પેટીમાં રાખ્યા પણ આંખ પર કપડું ન ઢાંક્યુ તથા ઑક્સિજન હદ કરતા વધારી દીધો: બાળકોની નસો ફુલાઈ ગઈ અને કીકી ફાટી ગઈ!
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશને રાજકોટના ડૉ. પ્રિતેશ પંડ્યાને 24 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ સાથે રાજકોટના જ ફરિયાદી યોગેશ કોટકના બે સંતાનોને વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો છે.
ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડૉ. પ્રિતેશ પંડ્યાને 24 લાખનો દંડ ફટકાર્યો
- Advertisement -
ફરિયાદી યોગેશ કોટકના જણાવ્યા અનુસાર તેમના લગ્નના 17 વર્ષ બાદ 2013માં સંતાન સુખ મળ્યું હતું. જોડિયા બાળકોના જન્મ થયા હતા પણ અધૂરા મહિને જન્મ હોવાથી કાચની પેટીમાં મુકવાની જરૂર પડી હતી. જેથી ડૉ. પ્રિતેશ પંડ્યાની કલરવ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાળકોને દાખલ કરાયા બાદ રજા અપાઈ હતી પણ ઘરે પહોંચ્યા બાદ સગા વહાલાઓને બાળકોની આંખમાં ખામી જણાતા આંખના ડોક્ટર પાસે લઈ જવાયા હતા જ્યાં નિદાન કરાયું કે બંને બાળકોની એક એક આંખની રોશની ગઈ છે અને બીજી આંખમાં ફક્ત 30 ટકા જ વિઝન છે! આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળકોને કાચની પેટીમાં રાખે એટલે તેમની આંખોમાં અલ્ટ્રા વાયોલેટ લાઈટ ન જાય તે માટે આંખ પર પ્રોટેક્શન રાખવાનું હોય છે તેમજ ઓક્સિજન પણ વધવું ન જોઈએ.
ડૉ. પંડ્યાએ આંખ પર કશું ઢાંક્યું ન હતું તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધી જતા નસો ફુલાઈ હતી અને તેથી આંખની કિકી ફાટી ગઈ હતી. જેથી તેમણે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. આખરે પુરાવાઓના આધારે ડૉ. પ્રિતેશ પંડ્યાની બેદરકારી સાબિત થતા કમિશનના પ્રિસાઈડિંગ સભ્ય આર. એન. મહેતાએ પ્રતિ બાળક 12 લાખ ગણી કુલ 24 લાખ વળતર ફરિયાદની તારીખથી 10 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આ વળતરમાંથી બંને બાળકોના નામે 7.50 લાખ રૂપિયા બાળકોના ભવિષ્ય માટે લોંગ ટર્મ પ્લાનમાં મુકવાના રહેશે. જો 60 દિવસમાં આ વળતર નહિ અપાય તો ત્યારબાદ 12 ટકા વ્યાજ ચડશે.
અગાઉ બાલસખા યોજનામાં કૌભાંડ કરવા બાબતે વિવાદમાં આવ્યા છે ડૉ. પ્રિતેશ પંડ્યા
અગાઉ સરકાર દ્વારા બાલસખા યોજના અમલમાં હતી ત્યારે પણ ડૉ. પ્રિતેશ પંડ્યાએ ખૂબ કૌભાંડો આચર્યા છે. આ અંગે ‘ખાસ-ખબર’એ શ્રેણીબદ્ધ અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતાં. પ્રિતેશ પંડ્યાની મોડસ ઓપરેન્ડી પણ ગજબનાક હતી. બાલસખા યોજના અંતર્ગત શિશુને ઈન્ટેન્સિવ કેર બદલ 50 હજારની સહાય મળવાપાત્ર હતી. આ માટે આરોગ્ય કેન્દ્રની ભલામણ જરૂરી હતી. ડૉ. પ્રિતેશ જરૂર ન હોય તેવા બાળકોને પણ સેટિંગ કરી ઑન પેપર એવું દર્શાવતો કે, જે-તે બાળકને ઈંઈઞમાં રખાયા છે. આવા ખોટાં પુરાવાઓ ઉભા કરીને એ કરોડો રૂપિયા કમાયો. ડૉ. પ્રિતેશની આ પાપલીલાનો ભાંડો પણ ‘ખાસ-ખબર’એ જ ફોડ્યો હતો.
ડૉ. પ્રિતેશ પંડ્યાની અણઆવડતનો ભોગ બનેલાં પરિવારે શું કહ્યું? વિડીયો જોવા અહીં ક્લિક કરો…