રાજકોટ તા.25
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં ધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. જે અંતર્ગત ધો.9થી12ની પ્રથમ કસોટી તા.19 માર્ચથી 27 માર્ચ સુધી લેવાશે જયારે ધો.9 અને 11ની વાષિક પરીક્ષા જૂનની તા.7થી15 દરમિયાન લેવામાં આવશે. આ અંગે શિક્ષણ બોર્ડના નિયામક બી.એન.રાજગોર એ જણાવેલ છે કે કોવિડ-19ની પરીસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળાઓમાં જૂન 2020 થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકેલ ન હતું. ‘હોમલર્નિંગ’ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાકવામાં આવેલ હતો. સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.11/01 થી ધો.10 અને 12 માટે તેમજ ધોરણ 9 અને 11 માટે તા.01/02 થી શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવેલ છે.
સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં ‘શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર’ તૈયાર કરીને શાળાઓને મોકલી આપવામાં આવે છે. જેમાં વિવિધ પરીક્ષાઓની વિગતો દર્શાવવામાં આવે છે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ વર્ષે ‘શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર’ તૈયાર થઈ શકેલ નથી. જેથી સરકારની મંજુરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2020/21 માં ધો.9 થી 12 ની પ્રથમ પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન શાળાકક્ષાએ કરવાનું રહેશે.
- Advertisement -
કોવિડ-19ની પરીસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો.9 થી ધો.12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્ર્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે. જેથી ધો.9 થી ધો.12ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક પરીક્ષાના પ્રશ્ર્નપત્ર પરિરૂપના આધારે તેમજ શાળાકક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણદીઠ ગુણભાર નકકી કરીને શાળા કક્ષાએ પ્રશ્ર્નપત્રો તૈયાર કરવાના રહેશે.
ધો..9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ 70% અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્ર્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્ર્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાનાં રહેશે. આ ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં પ્રથમ તેમજ બીજી પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને લેવામાં આવે છે. જેને સ્થાને હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં ફકત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે આંતરિક મૂલ્યાંકનમાં માત્ર પ્રથમ પરીક્ષાના ગુણ ધ્યાને લેવાશે.