સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં નારાજગીનું કંઇ ન ઉપજ્યું: ‘આપ’ના કારણે પણ ભાજપને ફાયદો
વડાપ્રધાનની 30થી વધુ સભા-રોડ શોએ ફરી લોકોને આકર્ષિત કર્યા: નવા ઉમેદવારો સહિતના પ્રયોગો મતદારોએ સ્વીકારી લીધા
- Advertisement -
ઓડિયો, વીડિયો, જ્ઞાતિ સંમેલનો અને ભાંગફોડની પ્રવૃતિ છતા પરિણામ પર અસર નહીં: ગુજરાતીઓ અને ભાજપ ફરી એક રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર અને તેના કામો પર જ ચૂંટણી લડવા ભાજપ તૈયાર થયો હતો. સમગ્ર ચૂંટણીની કમાન વધુ એક વખત વડાપ્રધાને પોતાના હાથમાં લીધી હતી. એક રીતે વન-મેન શોની જેમ ભાજપ આ ચૂંટણી લડ્યો હતો અને તેમાં ફરી નરેન્દ્ર મોદી જ મેન ઓફ ધ મેચ થયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે પૂર્વે 2022ની ચૂંટણી ખુબ રસપ્રદ બનશે તેવો માહોલ ઉભો થયો હતો. રાજકોટ, જસદણ, મોરબી, જામનગર, કચ્છ સહિતના જિલ્લાની ઘણી બેઠક પર ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં બળવા થયા હતા. અમુક જગ્યાએ નારાજ જૂથે સામુ કામ કર્યું હતું. ઉમેદવારોને પાડી દેવાની ચર્ચા કરતાં નેતાઓના વીડિયો પણ વાઇરલ થતા હતા. પક્ષની અંદર રહીને પક્ષના ઉમેદવારને જ નુકશાન કરવાની પ્રવૃતિ પણ ખુબ થઇ હતી. ખુદ વડાપ્રધાનની સભામાં ખુરશીઓ ખાલી હોવાના વીડિયો પણ ફેરવવામાં આવ્યા હતા. પરંતુ આવી સ્થિતિ અને નેગેટીવ પ્રચારની પ્રજાએ કોઇ નોંધ લીધી ન હોય તેવું લાગ્યુ છે. ચૂંટણીમાં નીચા મતદાને રાજકીય પક્ષોને ચોક્કસ નિરાશ કર્યા હતા. ભાજપની ચિંતા વધારી હતી પરંતુ ભાજપના કમિટેડ લોકો પક્ષ સાથે રહ્યાનું આજના પરિણામ પરથી લાગ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં 30થી વધુ રેલી અને જાહેરસભા કરી હતી. અમદાવાદમાં વિક્રમી રોડ-શો કર્યો હતો. ટૂંકાગાળામાં ભાજપના ગઢ રાજકોટમાં પણ બે સભા કરી હતી.