જૂનાગઢ નવુ ફાયર સ્ટેશન મળશે: સ્માશનમાં વિદ્યુત,ગેસ ભઠ્ઠીનું કામ થશે
1 થી 15 વોર્ડને વિકાસમાં આવરી લઇ વિધાનસભાની તૈયારી કરી લીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની ખાસ સ્થાયી સમિતિની બેઠક મળી હતી.જેમાં શહેરનાં ચારે દિશામાં વિકાસ થાય તે માટે 112 કરોડ 20 લાખ 21 હજાર રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શહેરમાં નવુ ફાયર સ્ટેશન અને સ્માશનમાં વિદ્યુત અને ગેસ ભઠ્ઠીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરનાં 1 થી 15 વોર્ડમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા તૈયારીઓ કરી લીધી છે. જૂનાગઢ મહાનગર પાલીકાની ખાસ સ્થાયી સમિતિની બેઠક હરેશભાઇ પરસાણાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગીતાબેન પરમાર,ગીરીશભાઇ કોટેચા,પુનીતભાઇ શર્મા,કીરીટભાઇ ભીંભા,અરવિંદભાઇ ભલાણી સહિતનાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં શહેરમાં નવા વિકાસનાં કામો માટે 59.06 કરોડ,ઘન કચરાનાં નિકાલ માટે 15 કરોડ અને શહેરનાં અન્ય વિકાસનાં કામો માટે 38.12 કરોડ મળી કુલ 112.20 કરોડનાં કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. 112.20 કરોડનાં કામમાં રસ્તા, લાઇટ,પાણી, ગટર, ફૂટપાથ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો સહિતનાં અસંખ્ય કામોને વણી લેવામાં આવ્યાં હતાં. તેમજ શહેરનાં વોર્ડ 1 થી 15 સુધીનાં વિસ્તારને પણ આવી લેવામાં આવ્યાં હતાં. તેમજ જુદાજુદા કોર્પોરેટરોએ સુચવેલા કામને પણ મંજુરી આપવામાં આવી હતી.
ખાસ કરીને આ બેઠકમાં સોનાપુર સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠી નંગ 1 અને ગેસ ભઠ્ઠી નંગ 1 નવા બિલ્ડીંગ સાથે ફીટ કરી આપવા માટે 54.13 લાખની ફાળવણી કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ શહેરનો વિકાસ થઇ રહ્યો છે.ત્યારે નવા ફાયર સ્ટેશન માટે 1.35 કરોડ રૂપિયાની મંજુર આપવામાં આવી છે. આ ઉપરાંત અક્ષર મંદિરથી ટીંબાવાડી ગેઇટ સુધી ફૂટપાથ બનશે. ટુંકમાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરની ચારે દિશામાં વિકાસનાં કામને મંજુરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઇ પરસાણાએ કહ્યું હતું કે, ખાસ સમિતિની બેઠકમાં કરોડોનાં કામ મંજુર કરી લોકોને ભેટ આપવામાં આવ્યાં છે. શહેરનાં મુખ્યમાર્ગો સીસીરોડ અને પેવરથી મઢવામાં આવશે. ટુંક સમયમાં વિકાસનાં કામો હાથ ધરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે 112 કરોડ 20 લાખ 21 હજાર જેવી જંગી રકમનું આયોજન કરવામાં આવ્યું છે.