પાલનપુર-અમીરગઢમાં પતિ-પત્ની સહિત 5, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાના PSI સહિત ત્રણ મોતને ભેટ્યાં
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં કુલ આઠ લોકોનાં મોત થયાં છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે અમીરગઢ નજીક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં છઉ જવાન સહિત બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતાં વડોદરા ઉઈઈમાં ફરજ બજાવતા PSI સહિત ત્રણનાં મોત થયાં હતાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના સોડિયા ગામનો પરિવાર પાલનપુર ખાતે સારવાર કરાવીને રિક્ષામાં ડીસા તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોડિયા ગામના પતિ-પત્ની અને સોતમલા ગામના રિક્ષાચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં બીજી દુર્ઘટના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે બની હતી. અહીં બાઈક પર સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક ત્રછઉ જવાન અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર વડોદરાથી ભરૂચ તરફ આવી રહી હતી, ત્યારે આઈસર સાથે ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. વડોદરામાં ફરજ બજાવતા PSI યશ પટેલ, મહેસાણાના ૨૭ વર્ષીય પાર્થ પટેલ અને ૨૮ વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂચ આવી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતા ટેમ્પામાં કાર પાછળથી ભટકાય હતી અને કાર પાછળથી અન્ય વાહનની પણ ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.




